ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલની જ ૮૪.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી રહેતાં રૂપિયામાં સુધારો રૂંધાયો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૭ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૪.૦૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૮ અને ઉપરમાં ૮૪.૦૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના જ ૮૪.૦૭ના મથાળે બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૪ ટકા ઘટીને ૧૦૪.૨૭ આસપાસ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી ૦.૭૪ ટકા વધીને બેરલદીઠ ૭૧.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૬૩.૯૯ પૉઈન્ટનો અને ૧૨૭.૭૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને થોડો ટેકો મળ્યો હતો. જોકે, માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી ઉપરાંત ગઈકાલે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૨૨૮.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો રૂંધાયો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.