આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

વાનખેડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં આ ઑલરાઉન્ડરની સરપ્રાઇઝ એન્ટ્રી…

મુંબઈ: દિલ્હીના બાવીસ વર્ષના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્ષિત રાણાને શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે વાનખેડેમાં શરૂ થનારી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે એવી પાકી સંભાવના છે. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હર્ષિતને રણજી ટ્રોફીમાંથી બ્રેક લઈને દિલ્હીથી તાબડતોબ મુંબઈ બોલાવવામાં આવ્યો છે. ખાસ કરીને તેણે મંગળવારે દિલ્હીની રણજી મૅચમાં આસામ સામે દિલ્હીને જે રીતે જિતાડ્યું એનાથી સિલેક્ટર્સ તેમ જ ટીમ-મૅનેજમેન્ટ પ્રભાવિત થઈ ગયા છે અને હર્ષિતને તાબડતોબ પ્રૅક્ટિસ શરૂ કરી દેવા મુંબઈ બોલાવ્યો છે.

આ પણ વાંચો : ગંભીરને ઝટકો?: આફ્રિકાના પ્રવાસમાં ચીફ કોચ તરીકે લક્ષ્મણ જઈ શકે…

હર્ષિત રાણા ટેસ્ટ-શ્રેણી માટેના અનામત ખેલાડીઓમાં સામેલ હતો જ. તેને આવતા મહિને ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારા પાંચ ટેસ્ટ-મૅચના પ્રવાસ માટેની ટીમમાં સમાવાયો હતો, પણ હવે ન્યૂ ઝીલૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટથી જ ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ જવા તેને કહેવામાં આવ્યું છે.

ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ન્યૂ ઝીલૅન્ડ 2-0થી વિજયી સરસાઈ ધરાવે છે.

હવે ભારતે ત્રીજી ટેસ્ટના પરાજયથી બચીને કિવીઓને 3-0ની ક્લીન સ્વીપથી વંચિત રાખવાના છે અને એ માટે ટીમ ઇન્ડિયા હર્ષિત રાણાના રૂપમાં નવી અજમાયશ કરવાની પેરવીમાં છે. હર્ષિત બુધવારે મુંબઈ આવશે, એવું પીટીઆઇના અહેવાલમાં બીસીસીઆઇના એક સૂત્રને ટાંકીને જણાવાયું હતું.

મંગળવારે દિલ્હીમાં દિલ્હીએ આસામને 10 વિકેટે હરાવ્યું અને આ રણજી સીઝનમાં પહેલી વાર સાત પૉઇન્ટ સાથે સંપૂર્ણ વિજય હાંસલ કર્યો. દિલ્હીને આ વિજય ખાસ કરીને હર્ષિત રાણાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને લીધે મળ્યો હતો. હર્ષિતે પ્રથમ દાવની પાંચ અને બીજા દાવની બે વિકેટ સહિત મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી તેમ જ પહેલા દાવમાં 78 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી 59 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા ફક્ત 59 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે વિના વિકેટે 62 રનના સ્કોર સાથે મેળવી લીધો હતો.

ટીમ મૅનેજમેન્ટ ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ પહેલાં પેસ બોલર્સ પરના વર્ક-લૉડ બાબતમાં સતર્ક છે અને એવું મનાય છે કે જસપ્રીત બુમરાહને વાનખેડેની ટેસ્ટમાંથી કદાચ આરામ અપાશે અને હર્ષિતને ડેબ્યૂ કરવાની તક મળશે.

દિલ્હીની ટીમના હેડ-કોચ સરણદીપ સિંહે પીટીઆઇને કહ્યું, ‘હર્ષિત રાણા ટેસ્ટ-ક્રિકેટ રમવા એકદમ તૈયાર છે. તે હંમેશાં પૉઝિટિવ અપ્રોચ રાખે છે અને કોઈ પણ સમયે વિકેટ મેળવવાની જ તલાશમાં રહેતો હોય છે. તે સારો ઑલરાઉન્ડર છે અને લાંબા સ્પેલમાં બોલિંગ કરી શકે છે.’

આ પણ વાંચો : પરાજિત રોહિતસેનાને ‘સજા’: દિવાળીના દિવસોમાં બધાએ ફરજિયાત…

હર્ષિત ગયા મહિને દુલીપ ટ્રોફીની બે મૅચમાં પણ સારું રમ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button