‘ડિજિટલ એરેસ્ટ’ કરી સાયબર ઠગે વૃદ્દા પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા
મુંબઈ: ‘ડિજિટલ એરેસ્ટ’નો ડર બતાવી મની લોન્ડરિંગ કેસમાંથી નામ પડતું મૂકવાના બદલામાં સાયબર ઠગે કાંદિવલીની સિનિયર સિટિઝન મહિલાને 14 લાખ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ દિલ્હી ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં આરોપીએ કાંદિવલીમાં રહેતી 67 વર્ષની ફરિયાદી પાસેથી નાણાં પડાવ્યાં હતાં. હાઈ પ્રોફાઈલ મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી સામે આવી હોવાનું જણાવી આરોપીએ વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટનો ડર બતાવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર પહેલી સપ્ટેમ્બરથી પાંચમી સપ્ટેમ્બર દરમિયાન છેતરપિંડી થઈ હતી. આ પ્રકરણે શનિવારે નૉર્થ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે વૃદ્ધાને પહેલી સપ્ટેમ્બરે કૉલ આવ્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ દિલ્હી ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે આપી હતી. દિલ્હી સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હોવાનું આરોપીએ ફરિયાદીને કહ્યું હતું. ગુનામાં ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ બાબતે આરોપીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી રાકેશ કુમાર સાથે પણ વાત કરાવી હતી.
આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મળી રાહત, પણ આ શરતે
દિલ્હી પોલીસના ત્રણ બનાવટી લેટર બતાવીને ફરિયાદીને ત્રણથી પાંચ વર્ષની જેલ થવાની શક્યતા આરોપીએ વ્યક્ત કરી હતી. આ કેસમાંથી બચવું હોય તો બૅન્ક ખાતામાં નાણાં જમા કરાવવાનું જણાવીને આરોપીએ બૅન્ક એકાઉન્ટ નંબર પણ આપ્યો હતો. ડરી ગયેલી ફરિયાદીએ બૅન્કમાં જઈને ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સેવિંગ્સમાંથી નાણાંની વ્યવસ્થા કરી હતી. આરોપીની સૂચનાને અનુસરી ફરિયાદીએ આરટીજીએસથી નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં. આ બાબતે પુત્રને જાણ કર્યા પછી પોતે છેતરાઈ હોવાનું ફરિયાદીને માલૂમ થતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)