જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…
રાજૌરી/જમ્મુઃ આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્યએ આધુનિક સર્વેલન્સ સાધનો અને શસ્ત્રોથી સજ્જ થઇને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ સરહદી જિલ્લાઓના ગાઢ જંગલોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નોંધનીય છે કે આ વિસ્તારોમાં છેલ્લા બે સપ્તાહમાં સાત હુમલા થયા છે, જેમાં બે સૈનિકો સહિત 13 લોકો માર્યા ગયા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતીય સેના આ ક્ષેત્રમાં ફરીથી વર્ચસ્વ મેળવવા માટે આક્રમક યોજના અમલમાં મુકવા જઇ રહી છે.
આ પણ વાંચો : J&Kના અખનૂરમાં બીજો આતંકવાદી ઠાર, આર્મી ડોગ Phantomનું ગોળી વાગવાથી મૃત્યુ
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રણનીતિ હેઠળ નિયંત્રણ રેખા અને અંતરિયાળ વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવા માટે નિયમિત પેટ્રોલિંગ, શંકાના આધારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન્સ અને ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. રાજૌરી અને પુંછ જિલ્લામાં આર્મીની રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો પડકારરૂપ પરિસ્થિતિ છતાં વિશેષ રીતે ગાઢ જંગલ વિસ્તારોમાં નિયમિત અને આક્રમક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
એલઓસી પાસેના વિસ્તારોમાં તપાસ કરવા અને સરહદ પારથી થતી ઘૂસણખોરીને અટકાવવા માટે કોઇ પણ સંદિગ્ધ ગતિવિધિ પર નજર રાખવા માટે તેમને ડ્રોન, ક્વોડકોપ્ટર, આધુનિક શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો આપવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે સેનાના જવાનો ટેકનિકલ અને માનવીય બંન્ને માધ્યમથી ગાઢ જંગલ વિસ્તારો પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેઓ ખાસ કરીને તાજેતરની આતંકવાદી ઘટનાઓ જ્યાં બની છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખી રહ્યા છે, જ્યારે જંગલોમાં પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેના રાજૌરી અને પૂંછના અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત તેના જવાનોને તૈયાર રાખવા માટે વિશેષ તાલીમ સત્રો અને ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પનું આયોજન કરી રહી છે.
છેલ્લા કેટલાક મહિનામાં વારંવાર થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. હાલમાં જમ્મુના અખનૂર વિસ્તારમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે અંતરિયાળ વિસ્તારોમાં ફરજ પર તૈનાત જવાનોના ફાયરિંગ અને ઓપરેશનલ કૌશલ્યને વધારવા માટે ભારતીય સેના નિયમિતપણે વિશેષ તાલીમ કેપ્સ્યુલ્સનું આયોજન કરે છે. તેમણે કહ્યું કે આ વિશેષ ફાયરિંગ પ્રેક્ટિસ સત્રો ગાઢ જંગલ વિસ્તારોમાં આયોજિત કરવામાં આવે છે, જ્યાં સૈન્યની ટીમો એક સાથે આતંકવાદ વિરોધી કામગીરી અને તાલીમનું આયોજન કરે છે. આ સત્રોમાં આર્મીના જવાનોને પિસ્તોલ જેવા નાના હથિયારો અને એકે રાઇફલ્સ જેવા શસ્ત્રો અને સ્થિર અને હલનચલન કરતા બંને લક્ષ્યો પર ફાયર કરવા માટેની તાલીમ આપવામાં આવે છે.
આ પણ વાંચો : અખનુરમાં LOC નજીક ટેરરિસ્ટ એટેકઃ 3 આતંકવાદી ઠાર
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકોને કોઈપણ આતંકવાદી ઘટના પછી ઝડપી કાર્યવાહીની રણનીતિની સતત તાલીમ પણ આપવામાં આવે છે, જેમાં ઝડપી પ્રતિક્રિયા માટે વિશેષ બુલેટપ્રૂફ વાહનોનો ઉપયોગ સામેલ છે.