કાનપુરઃ આવકવેરા વિભાગે ગુરુવારે વનસ્પતિ તેલ, ખાદ્ય ચીજવસ્તુઓ અને પેકેજિંગના ઉત્પાદનમાં સંકળાયેલા કાનપુર સ્થિત અગ્રણી બિઝનેસ સમૂહ પર પાડેલા દરોડા દરમિયાન છુપાયેલા રૂમમાંથી ત્રણ કરોડની રોકડ અને રૂ. 3 કરોડનું સોનું મળી આવ્યું હતું.
આવકવેરા વિભાગ દ્વારા બિઝનેસ સમૂહના મુંબઈ, સુરત અને કોલકાતામાં ત્રણ-ત્રણ સ્થળોએ, મધ્યપ્રદેશમાં 15 અને ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં 150 અધિકારીઓની ટીમ સામેલ હતી. દરોડાના પ્રથમ દિવસે, અધિકારીઓએ જૂથના માલિકના કાનપુર નિવાસસ્થાનમાંથી રોકડ અને સોનું જપ્ત કર્યું હતું. રોકડ અને સોનાના સિક્કાનો નોંધપાત્ર જથ્થો એક મોટા અરીસાની પાછળના “ગુપ્ત રૂમ” માં છુપાયેલો મળી આવ્યો હતો. બિઝનેસ સમૂહે એવી કંપની પાસેથી 25 કરોડ રૂપિયાની લોન બતાવી હતી જેનું વાસ્તવિકતામાં અસ્તિત્વ નથી. આ જૂથે કોલકાતા અને મુંબઈ સ્થિત શેલ કંપનીઓ પાસેથી લોન લીધી હોવાની શંકા છે.
અસ્તિત્વમાં ન હોય તેવી કંપનીઓ પાસેથી નકલી ખરીદી પણ તપાસમાં બહાર આવી છે, જે કાળા નાણાંને લૉન્ડર કરવાના સંભવિત પ્રયાસનો સંકેત આપે છે.
ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, આ જૂથ કસ્ટમ્સ ડ્યુટીથી બચવા માટે સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (SAFTA) કરારનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે જૂથ તેના કાળા નાણાનું રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યું હતું. કાનપુરમાં હેડક્વાર્ટર ધરાવતું આ બિઝનેસ જૂથ 33 વર્ષથી કાર્યરત છે. તે રિફાઈન્ડ સોયાબીન તેલ, કાચી ઘની મસ્ટર્ડ ઓઈલ, રિફાઈન્ડ રાઇસ બ્રાન ઓઈલ, ફિલ્ટર કરેલ ગ્રાઉન્ડ નટ ઓઈલ, સોયા ચંક્સ, આટા, બેસન, સૂજી, મેદો, પોહા અને દાળિયાના ઉત્પાદનમાં સામેલ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને