ત્રણ દિવસની મંગળા આરતી સાથે કચ્છમાં દીપોત્સવી પર્વનો પ્રારંભ
ભુજ: ભારતભરમાં એકમાત્ર ભુજમાં દીપોત્સવી પર્વ દરમ્યાન યોજાતી ત્રણ દિવસની મંગળા આરતીનો આજે ધનતેરસના દિવસથી મંગળ પ્રારંભ સાથે દીપોત્સવી પર્વની ઉજવણીનો ઉમંગભેર પ્રારંભ થયો છે. ભુજના હાટકેશ્વર મહાદેવ,ધીંગેશ્વર મહાદેવ,સોમનાથ મહાદેવ,કલ્યાણેશ્વર મહાદેવ અને સત્યનારાયણ મંદિરે વહેલી પરોઢિયે પાંચ વાગ્યાથી ક્રમશ મંગળા આરતી યોજાય છે. ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસે એમ ત્રણ દિવસ માટે યોજાતી આ મંગળા આરતી દરમ્યાન વહેલી પરોઢે પાંચ વાગ્યાથી જ ભુજના દૂર દૂરના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો આ મંગળા આરતીમાં હાજર રહેવા મહાદેવ ગેઇટના ઉપલીપાળ વિસ્તારમાં એકઠા થાય છે.
Also read: સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન
વહેલી પરોઢિયે યોજાતી આ મંગળા આરતીનો પ્રારંભ નાગરોના ઇષ્ટદેવ જાજરમાન હાટકેશ્વર મંદિરેથી થાય છે. આજે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો મંગળા આરતીમાં ઉમટ્યા હતા.કચ્છના જાણીતા ઢોલકવાદક કિશોર વ્યાસના નોબતવાદન વચ્ચે પૂજારી કનુભાઈ વ્યાસે ભાવપૂર્વક ભગવાન શંકર અને માં અંબાજીના મંદિરોમાં આરતી-પૂજન કર્યા હતાં.
હાટકેશ્વર મંદિરની મંગળા આરતી પૂર્ણ થયા બાદ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાંથી સત્યનારાયણના પ્રાચીન મંદિરે મંગળા આરતી યોજાય છે. ત્યારબાદ હમીરસર તળાવના કાંઠે આતશબાજીનો આનંદ માણે છે. ભુજ જેવી મંગળા આરતી દેશમાં અન્ય કોઈ સ્થળે યોજાતી નથી. કચ્છ બહાર સ્થાયી થયેલા પરિવારો ભુજની મંગળા આરતીમાં ભાગ લેવા દેશ વિદેશથી આવે છે.
Also read: વાવ બેઠક પર બંને પક્ષોને સાત પાસની ચિંતા: આ કારણે ભાજપ-કોંગ્રેસનું ટેન્શન વધ્યું
દિવાળીના પર્વ નિમિતે વાઘબારસ અને ધનતેરસના દિવસે ભુજની પ્રણાલીગત બજારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ભુજના રોશનીથી શણગારેલા વાણીયાવાડ, તળાવ શેરી, મહેરઅલી ચોક અને દરબારગઢ વિસ્તારમાં રોનક વર્તાઈ રહી છે. વેપારીઓએ આજે દિવાળીથી દિવાળી સુધીના ચોપડાઓની ખરીદી કરી હતી.