Tourism:આજથી અમદાવાદ-કેશોદની ફ્લાઇટ સેવાનો પ્રારંભ: સાથે મળશે ફ્રી બસ સેવા
સોમનાથ: હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું છે. સોમનાથનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રિકોને હવે વિમાની સેવાનો પણ લાભ મળવાનો છે. આજથી ધનતેરસ પર્વના પાવન દિવસે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવા તથા ત્યાંથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સોમનાથ મહાદેવના શ્રદ્ધાળુઓ અને સાસણ ગીરની મુલાકાતે આવનાર યાત્રિકોને હવે વધુ સુવિધાઓ મળી રહેશે. સરકાર દ્વારા અમદાવાદથી કેશોદ સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ધનતેરસના પવિત્ર પર્વે સોમનાથ મહાદેવના ભક્તોને સરકાર દ્વારા વિમાન સેવાની ભેટ મળી છે.
ક્યારે મળશે સેવાનો લાભ:
અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. ઉપરોક્ત દિવસો દરમિયાન અમદાવાદથી સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચશે, જ્યારે કેશોદથી બપોરે 13:15 વાગ્યે ફલાઈટ ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
Also Read – Big Breaking: આખરે ઓળખાયો પ્લેનમાં બોમ્બની અફવાઓ ફેલાવનારો, લેખક નીકળ્યો બોલો
સોમનાથ ટ્રસ્ટ આપશે નિઃશુલ્ક બસ સેવા:
આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક “વાતાનુકૂલિત પીક-અપ બસ” સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને મુસાફરીનો અનુભવ આપશે.