અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાં ઉજવી તેમની છેલ્લી દિવાળી

અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. રાષ્ટ્રપતિ જો બાઇડેનની પાર્ટી ડેમોક્રેટ્સ આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને હિંદુઓને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં સોમવારે સાંજે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીમાં દેશભરમાંથી વકીલો, અધિકારીઓ અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ સહિત 600 થી વધુ પ્રતિષ્ઠિત અને વગદાર ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી.
વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરાને આગળ ધપાવતા અમેરિકી રાષ્ટ્રપતિએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે તેમણે અને ફર્સ્ટ લેડી જીલ બિડેને 2016માં વાઇસ પ્રેસિડેન્ટના નિવાસસ્થાને પ્રથમ દિવાળીની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું હતું કે મારા માટે એ સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી. આ મારા માટે ખાસ પ્રસંગ છે. મારા સ્ટાફના ઘણા અગ્રણી સભ્યો છે જેઓ વિવિધતામાં એકતાના ઉદાહરણ છે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને યુએસ સર્જન જનરલ વિવેક મૂર્તિની વહીવટી વિવિધતાનો ઉલ્લેખ કર્યો હતો.
જોકે, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી જીલ બાઇડેન વ્હાઇટ હાઉસમાં આયોજિત સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. રાષ્ટ્રપતિ બાઇડેને જણાવ્યું હતું કે જીલ બાઇડેન અહીં આવવા માંગતી હતી, પરંતુ તે વિસ્કોન્સિનની યાત્રા કરી રહી છે અને કમલા હેરિસ પણ પ્રચાર કરી રહી છે. તેમણે કમલા હેરિસને સ્માર્ટ અને વિશ્વાસુ ગણાવ્યા હતા. વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમો 2003માં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2017 માં તેમની પુત્રી ઇવાન્કા અને તેમના વહીવટના ભારતીય અમેરિકન સભ્યો સાથે દીવા પ્રગટાવીને દિવાળીની પરંપરા ચાલુ રાખી હતી.