અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે રહેણાંક બાંધકામો પર ફર્યું બૂલડૉઝર
અમદાવાદઃ સોમનાથ, જામનગર, વિરમગામ બાદ આજે ગુજરાતમાં ફરી એકવાર બૂલડૉઝર ચાલ્યું છે. અમદાવાદમાં સરખેજના કેટલાક વિસ્તારમાં મનપા દ્વારા બૂલડૉઝર કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા દબાણ દુર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ભાવનગર, દ્વારકા, પોરબંદર બાદ આજે અમદાવાદના સરખેજ, જુહાપુરામાં મનપા દ્વારા કુખ્યાત નઝીર વોરાના દબાણો હટાવવામાં આવ્યા છે. સરખેજ નજીક આવેલા સોનલ સિનેમા રૉડ ઉપરના એક ફ્લેટની રહેણાંક સ્કીમનું આજે વહેલી સવારે દબાણ હટાવવામાં આવ્યુ છે. આ પહેલા અહીં રહેણાંક બાંધકામોને તોડી પાડવામાં આવી હતી. અહીં વર્ષ 2020માં ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા હતા, પરંતુ બાદમાં ફરીથી 2024માં બાંધકામ કરી દેવામાં આવ્યા હતા.
દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મનપાની ટીમ સાથે વેજલપુર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ત્રણ મશીન, સાત ગેસ કટર, 45 મજૂર દ્વારા 27 ગેરકાયદે યૂનિટના બાંધકામો દૂર કરાયા હતા. તોડી પાડવામાં આવેલા બાંધકામ જુહાપુરા વિસ્તારના કુખ્યાત નઝીર વોરા દ્વારા ઉભું કરવામાં આવ્યુ હતુ.
Also Read – તહેવાર ટાણે જ માતમ છવાયો: AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
અમદાવાદ સોનલ સિનેમા હાજીબાવાની દરગાહની બાજુમાં 2021માં જે કોમ્પ્લેક્સનું ડિમોલેશનનું કામ કરવામાં આવ્યું હતું, બાદમાં તે કોમ્પ્લેક્સને ફરી રીનોવેશન કરી શટલ નાખી દેવામાં આવ્યા હતા. આ દબાણ અંગે કોર્પોરેશન દ્વારા નોટિસ પણ પાઠવવામા આવી હતી છતાં તે બાંધકામ થઈ ગયું અને તેની પછી આજે ફરીથી આ કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું છે.