
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ધન તેરસના દિવસે સિનીયર સિટીઝન્સને મોટી ભેટ આપશે. વડા પ્રધાન આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકો માટે હેલ્થ કવરેજ આપવાની યોજનાની શરૂઆત કરાવશે.
આજે એટલે કે 29 ઓક્ટોબરથી આયુષ્માન કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓ AB PMJAY હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં ₹5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આ ઉપરાંત વડા પ્રધાન કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે, જેમાં U-WIN પોર્ટલનો સમાવેશ થાય છે જે ભારતની COVID-19 વેક્સીન મેનેજમેન્ટ સિસ્ટમ Co-WIN ના મોડલ પર આધારિત છે, U-WIN પોર્ટલ જન્મથી 17 વર્ષની વય સુધી બાળકોને આપવામાં આવતી વિવિધ વેક્સીનનો કાયમી ડિજિટલ રેકોર્ડ રાખશે, બાળકો ઉપરાંત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી રસીનો પણ ડિજીટલ રેકોર્ડ રાખવામાં આવશે.
Also Read – જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે જાણો કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન?
AB-PMJAY હેલ્થ કવરેજ પ્લાન અંગે મહત્વ વિગતો:
- આધાર કાર્ડના ડેટા મુજબ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આવકની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ હેલ્થ કવરેજ હેઠળ લાભ મળશે.
- આ યોજનાથી આશરે 4.5 કરોડ પરિવારોમાં અંદાજિત છ કરોડ નાગરિકોને લાભ મળશે એવો અંદાજ છે.
- આ હેલ્થ કવરેજનો લાભ મેળવવા માટે, લોકોએ PMJAY પોર્ટલ અથવા આયુષ્માન એપ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમની પાસે પહેલાથી આયુષ્માન કાર્ડ છે તેમણે પણ પોર્ટલ અથવા એપ પર ફરીથી અરજી કરવી પડશે અને નવા કાર્ડ માટે તેમનું eKYC પૂર્ણ કરવું પડશે.
- આ યોજના હાલ દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સિવાય 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી રહી છે.
- પહેલાથી AB PM-JAY હેઠળ આવતા પરિવારો સાથે જોડાયેલા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનીયર સિટીઝન્સને દર વર્ષે ₹5 લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર મળશે.
- PMJAY યોજના હેઠળ 7.37 કરોડ હોસ્પિટલ એડમીશનને આવરી લેવામાં આવ્યા છે, જેમાં 49 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ જનતાને ₹1 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે.
- એવા સિનીયર સિટીઝન્સ કે જેઓ ખાનગી હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી અથવા એમ્પ્લોઇઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ સ્કીમ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેઓ પણ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર હશે.
- 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના એવા સિનીયર સિટીઝન્સ જે જેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS), એક્સ-સર્વિસમેન કન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ (ECHS) અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) કે અન્ય જાહેર આરોગ્ય વીમા યોજનાઓનો લાભ લઇ રહ્યા છે, તેમને તેમની વર્તમાન યોજના અથવા આયુષ્માન ભારત યોજના વચ્ચે પસંદગી કરવાની રહેશે.
- આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર AB PM-JAY યોજના હેઠળ 10.74 કરોડ ગરીબ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ભારતની નીચેની 40 ટકા વસ્તીનો સમાવેશ થાય છે.
- 1 સપ્ટેમ્બર, 2024 સુધી, PMJAY યોજના હેઠળ નાગરિકોને સારવાર પૂરી પાડવા માટે 12,696 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 29,648 હોસ્પિટલોને સૂચિબદ્ધ કરવામાં આવી છે.