શિંદે સાથે ગુવાહાટી ગયેલા શ્રીનિવાસ વનગાની ટિકિટ કપાઇ તો ઉદ્ધવ ઠાકરે યાદ આવ્યા
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ મહાયુતિ અને મહા વિકાસ અઘાડી એમ બન્ને ગઠબંધનોમાં હજુ તડાફડી અને કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ ચાલી રહ્યો છે. જેને ટિકિટ મળી છે તેઓ ખુશ છે અને જેમનું પત્તું કપાયું છે, તેઓ બળવાઅને બંડખોરીના મિજાજમાં છે. આજે છેલ્લા દિવસે પણ અનેક નાટકો થશે, પક્ષપલટા થશે એમ માનવામાં આવી રહ્યું છે.
મહાયુતિમાં પાલઘર વિધાનસભા માટે શ્રીનિવાસ વનગાના સ્થાને પૂર્વ સાંસદ રાજેન્દ્ર ગાવિતને તક આપવામાં આવી છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ભાજપમાંથી તેમના પક્ષમાં જોડાયેલા રાજેન્દ્ર ગાવિતને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે શિંદે-સેના પાલઘર બેઠક પરથી શ્રીનિવાસ વનગાને મેદાનમાં ઉતારશે. જો કે, ભાજપ સાથે સમજૂતી થયા પછી, શિંદે સેનાએ રાજેન્દ્ર ગાવિતને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ બે દિવસ પહેલા ભાજપ છોડીને ફરી પાર્ટીમાં જોડાયા હતા.
પાર્ટીએ તેમની ઉમેદવારી નકારતા શ્રીનિવાસ વનગા ખૂબ જ નિરાશ થઇ ગયા હતા અને તેમણે મીડિયા સમક્ષ રડતા રડતા બળાપો કાઢ્યો હતો કે, ”એકનાથ શિંદેએ મને વચન આપ્યું હતું કે મારી સાથે આવનાર કોઈપણ વિધાન સભ્યની ટિકિટ હું કાપીશ નહીં, હું તે બધાને નોમિનેટ કરીને ચૂંટાઈશ. તેઓ આટલા મહાન નેતા છે, તો તેમણે તેમની વાત પાળવી જોઈતી હતી. મેં પ્રમાણિકતાથી કામ કર્યું, તેનું મને આ પરિણામ મળ્યું. આ દુનિયામાં કોઈને ઈમાનદાર લોકો જોઈતા નથી. મને દહાણુથી ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પણ તે પણ પાર્ટીએ પાળ્યું નથી. મેં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી છોડીને ભૂલ કરી છે,”
શ્રીનિવાસ વનગાનો આ વીડિયો વાયરલ થયા બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરે પાર્ટીના નેતા મિલિંદ નાર્વેકરે તેમની પત્નીને ફોન કરીને તેમની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ તેમને ફોન કરીને તેમની સાથે વાત કરી હતી.