Whatsapp પર આવેલા નવા દિવાળી ગિફ્ટ કૌભાંડથી સાવધાન!, એન્જિનિયરે રૂ. 4.5 લાખ ગુમાવ્યા
ભારતમાં સાયબર ક્રાઈમના કેસોમાં જેટસ્પીડે વધારો થઇ રહ્યો છે ્ને ક્રાઇમ કરનારાઓ નવી નવી પદ્ધતિઓ અપનાવી કૌભાંડ આચરી રહ્યા છે. હવે દિવાળી નિમિત્તે કૌભાંડીઓ નવા પ્રકારના ફ્રોડ કરી રહ્યા છે. હાલમાં જ દિવાળી ગીફ્ટ કૌભાંડનો મામલો જાણવા મળ્યો છે, જેમાં એક એન્જિનિયર સાથે છેતરપિંડી થઇ છે અને તેણે રૂ. 4.5 લાખ ગુમાવ્યા છે.
બેંગલૂરુના મહિલા એન્જિનિયર ઓનલાઈન ગિફ્ટ કાર્ડ કૌભાંડનો શિકાર બન્યા છે. એન્જિનિયરને કથિત રીતે તેના બોસ તરફથી WhatsApp પર દિવાળી ગિફ્ટનો મેસેજ મળ્યો હતો કે, ‘હું હાલમાં કોન્ફરન્સ કોલ મીટિંગમાં વ્યસ્ત છું અને મને ક્વિક અસાઇનમેન્ટ માટે તમારી જરૂર છે. મને ભારતભરમાં આપણા ગ્રાહકોને ગિફ્ટ કાર્ડ મોકલવાના છે. શું તમે Paytm માંથી Apple App Store કાર્ડ લઇ શકો છો?’ મહિલા કર્મચારીને 13 ઓક્ટોબરે WhatsApp મેસેજ મળ્યો હતો.
Also Read – WhatsApp, YouTube પર તમે પણ નથી કરતાં ને આ ભૂલો, નહીંતર…
મહિલા એન્જિનિયરે બોસ પર સારી છાપ પાડવા માટે 4.35 લાખ રૂપિયાના વાઉચર ખરીદી લીધા. જ્યારે તેણે HR વિભાગને “ગિફ્ટ રિક્વેસ્ટ”ની જાણ કરી ત્યારે તેને જાણ થઇ કે આ મેસેજ તેના બોસ તરફથી નહોતો આવ્યો. તેને છેતરવામાં આવી હતી. મહિલા એન્જિનિયરે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધાવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને અન્ય લોકોને આવા કૌભાંડોથી સાવધ રહેવા ચેતવણી આપી છે.
મહિલા એન્જિનિયરે જણાવ્યું હતું કે Appleની customer care service સોમવારથી શુક્રવાર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી જ ઉપલબ્ધ હોવાથી તેને સમયસર સહાય મળી શકી નહોતી અને તે આઈડી બ્લોક કરાવી શકી નહોતી કે તેનો દુરૂપયોગ રોકી શકી નહોતી. તેને એપલ સપોર્ટ ઓપન થવાની રાહ જોવી પડી હતી.