Assembly Election: અબુ આઝમીનો યુ-ટર્ન, હવે કહ્યું, MVA વિરુદ્ધ નહીં બોલું…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારી મળ્યા પહેલા જ મહાવિકાસ આઘાડી (MVA)ને ધમકી આપનાર સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અબુ આઝમીના આજે અચાનક સૂર બદલાઈ ગયો છે. અબુ આઝમીએ એક ખાસ વાતચીતમાં કહ્યું કે હવે પછી તેઓ ક્યારેય મહાવિકાસ આઘાડી વિરુદ્ધ બોલશે નહીં. તેમણે કહ્યું કે હજુ પણ જેટલી સીટ માંગવામાં આવી છે એટલી મળવાની આશા છે.
મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં પોતાના સહયોગી પક્ષો પાસેથી પાંચ સીટોની માંગણી કરી હતી, પરંતુ સમાજવાદી પાર્ટીને માત્ર બે સીટ ફાળવી છે. જોકે, આજે અચાનક અબુ આઝમીના સૂર બદાલાયા પછી કંઈક અલગ જ વાત જણાવી હતી.
મુંબઈની શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના નેતા અને મહાગઠબંધનના ઉમેદવાર અબુ આઝમી આજે તેમના સેંકડો કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ફૈઝાબાદ લોકસભા સીટના સાંસદ અવધેશ પ્રસાદ પણ જોડાયા હતા. ઉમેદવારી પત્ર ભરતી વખતે સપાના વિધાનસભ્યનો સૂર બદલાયો હતો. અબુ આઝમીએ કહ્યું હતું કે હવેથી તેઓ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ નહીં બોલે, અમે બધા સાથે છીએ. આ સાથે અવધેશ પ્રસાદે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની જીતનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો : Assembly Election: સંભાજીનગરમાં ઠાકરેને ફટકો, તનવાણીએ ઉમેદવારી પાછી ખેંચી
આ પહેલા અબુ આઝમીએ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષોને ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમે પાંચ ઉમેદવારો જાહેર કર્યા છે. આઝમીએ કહ્યું હતું કે જો સીટોનો નિર્ણય જલ્દી નહીં થાય તો તેઓ પોતાના ૨૫ ઉમેદવારની જાહેરાત કરશે. તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે અણુશક્તિ નગર, ભાયખલા અને અન્ય કેટલીક જગ્યાઓ માટે ઉમેદવારો છે. હું ભીખ નહીં માંગુ, નિર્ણય નહીં લેવાય તો આવતીકાલે એબી ફોર્મનું વિતરણ કરીશ.