Assembly Election: સંભાજીનગરમાં ઠાકરેને ફટકો, તનવાણીએ ઉમેદવારી પાછી ખેંચી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંભાજીનગર સેન્ટ્રલમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના ઉમેદવાર કિશનચંદ તનવાણીએ પોતાનું નામ પાછું ખેંચીને સીએમ એકનાથ શિંદેને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટો ફટકો છે. તેમણે પોતાનું નામ પાછું ખેંચી લેતા મોટો દાવો કર્યો છે કે, આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એમવીએ મોટા માર્જિનથી હારી જશે.
કિશનચંદ તનવાણીએ ઉમેદવારી પત્ર ભરવાના માત્ર એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ પાછળનું કારણ શું છે? કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના બીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ
છત્રપતિ સંભાજીનગર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટા ભાગની જગ્યાઓ પર એકનાથ શિંદે જૂથની શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વચ્ચે ટક્કર થશે. શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્ય પ્રદીપ જયસ્વાલને ફરીથી શહેરના મધ્ય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જયારે ઉદ્ધવ ઠાકરે જૂથે કિશનચંદ તનવાણીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
તનવાણીએ ગઈ કાલે ઉમેદવારી પત્રો ભરવા માટેની રેલી એમ કહીને રદ કરી હતી કે બજારમાં ભીડને કારણે નાગરિકોને મુશ્કેલી પડશે. જોકે, આજે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં અચાનક ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે, જ્યારે છેલ્લી ઘડીએ પાર્ટીને નવા ઉમેદવારને જાહેર કરવાની જવાબદારી આવી પડી છે.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન?
પ્રદીપ જયસ્વાલ અને કિશનચંદ તનવાણી બંને કટ્ટર શિવસૈનિક હોવાનું કહેવાય છે. બંને વચ્ચે મૈત્રી પણ છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં બંને એકબીજા આમનેસામને લડ્યા હતા. આ સમયગાળા દરમિયાન મતોની વહેંચણીને કારણે એઆઇએમઆઇએમના ઇમ્તિયાઝ જલીલ વિજયી થયા હતા. આ વખતે પણ પ્રદીપ જયસ્વાલ, એમઆઈએમના નાસિર સિદ્દીકી મેદાનમાં છે. તે જ સમયે કિશનચંદ તનવાણીએ ખસી જવાનો નિર્ણય કર્યો. તનવાણીના નિર્ણય પાછળ જૂથવાદ હોવાનું કહેવાય છે. જો કે તનવાણીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.