ફરજ પરથી ગાયબ: ઝીશાન સિદ્દીકીની સલામતી માટેના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો
મુંબઈ: વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીની સલામતી માટે તહેનાત કરાયેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી)ની સરપ્રાઇઝ વિઝિટ વખતે કોન્સ્ટેબલ ફરજ સમયે તેની જગ્યા પરથી ગાયબ હોવાનું જણાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
બાંદ્રા પૂર્વના વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીના પિતા અને રાજ્યના ભૂતર્પૂવ પ્રધાન બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે પોતાના બે અંગરક્ષક સાથે બાંદ્રામાં મીટિંગમાં હાજરી આપીને પોતાના નિવાસે પાછા ફરી રહ્યા હતા ત્યારે નિર્મલનગર ખાતે ઝીશાનની ઓફિસ બહાર ગોળી મારીને તેમની હત્યા કરાઇ હતી. આ ઘટના બાદ ઝીશાનની સલામતી વધારી દેવાઇ હતી.
આપણ વાંચો: બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મોટો ખુલાસો, પોલીસે જણાવ્યું કોણ છે કેસનો વોન્ટેડ આરોપી…
જોકે ઝીશાન તાજેતરમાં વિભાગના ડીસીપી દીક્ષિત ગેદામને મળ્યો હતો અને પોતાની સલામતી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ સલામતીનું આકલન કરવા ડીસીપી ગેદામે ઝીશાનના નિવાસસ્થાનની મુલાકાત લીધી ત્યારે કોન્સ્ટેબલ વિશાલ અશોક થંગે ફરજની જગ્યા પર હાજર ન હોવાનું જણાયું હતું.
પ્રાથમિક તપાસ બાદ થંગેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરજચૂક માટે કોન્સ્ટેબલ શ્યામ સોનાવણેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)