Women’s Asian Champions Trophy Hockey: ભારતીય હૉકી ટીમની જાહેરાત, સલીમા ટેટે બની કેપ્ટન
નવી દિલ્હીઃ બિહારના નવનિર્મિત રાજગીર હૉકી સ્ટેડિયમમાં અગિયારથી 20 નવેમ્બર દરમિયાન યોજાનારી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય મહિલા હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી છે.
8 સભ્યોની ટીમની કેપ્ટનની જવાબદારી સલીમા ટેટેને સોંપવામાં આવી છે. નવનીત કૌરને ટીમની વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. ભારતે ગયા વર્ષે રાંચીમાં આયોજિત ઈવેન્ટમાં ટાઈટલ જીત્યું હતું, પરંતુ ત્યારથી ટીમનું પ્રદર્શન નબળું પડ્યું હતું.
આપણ વાંચો: ઘોડાગાડી ચલાવતા પિતાની પુત્રીએ 16 વર્ષની સફળ હૉકી કારકિર્દી પર પાડી દીધો પડદો
આ ખંડીય સ્પર્ધામાં ટીમને વર્તમાન ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન, જાપાન, કોરિયા, મલેશિયા અને થાઈલેન્ડ સહિત અન્ય પાંચ દેશોની સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. ભારત 11 નવેમ્બરે મલેશિયા સામે તેના અભિયાનની શરૂઆત કરશે.
ટીમની પસંદગી અને ટુર્નામેન્ટ માટેની તેમની તૈયારી અંગે મિડ ફિલ્ડર્સ સલીમાએ કહ્યું હતું કે બીજી મોટી ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરવું એ એક મહાન લાગણી છે. અમે ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ભાગ લઈશું. તે તેને વધુ ખાસ બનાવે છે.
તેણે કહ્યું હતું કે અમે સખત ટ્રેનિંગ મેળવી છે. અમારી પાસે અનુભવી ખેલાડીઓ અને યુવા પ્રતિભા સાથે મજબૂત ટીમ છે. અમારો ઉદ્દેશ્ય અમારા ટાઇટલનો બચાવ કરવાનો છે અને તે જ જુસ્સા અને નિર્ધાર સાથે રમવાનો છે જે અમે ગયા વર્ષે બતાવ્યું હતું.
ટીમમાં ગોલકીપરની ભૂમિકા અનુભવી સવિતા અને બિચુ દેવી ખારીબામ સંભાળશે. ડિફેન્સ લાઇનની જવાબદારી ઉદિતા, જ્યોતિ, ઇશિકા ચૌધરી, સુશીલા ચાનુ પુખરામ્બમ અને વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકેની રહેશે.
આપણ વાંચો: ભારતના જુનિયર હૉકી ખેલાડીઓએ કરી કમાલ…બે દિવસમાં જીત્યા બે મૅચ
મિડલ લાઇનમાં ટેટેની સાથે નેહા, શર્મિલા દેવી, મનીષા ચૌહાણ, સુનેલિતા ટોપ્પો અને લાલરેમ્સિયામી ટીમને તાકાત આપશે. ફોરવર્ડમાં નવનીત કૌર, સંગીતા કુમારી, દીપિકા, પ્રીતિ દુબે અને બ્યુટી ડુંગડુંગ જવાબદારી સંભાળશે.
ભારતીય વાઇસ કેપ્ટન નવનીતે કહ્યું, “અમને અમારી તૈયારી કરી છે અને એકબીજા પર વિશ્વાસ છે. ભારતના દર્શકોની સામે રમવું રોમાંચક છે અને અમે એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવા તૈયાર છીએ.”
ટીમ ઈન્ડિયાની બ્રિગેડ આ પ્રમાણે હશે
ગોલકીપર્સ: સવિતા, બિચૂ દેવી ખારીબમ.
ડિફેન્ડર્સ: ઉદિતા, જ્યોતિ, વૈષ્ણવી વિટ્ટલ ફાળકે, સુશીલા ચાનુ પુખરામ્બમ, ઈશિકા ચૌધરી.
મિડફિલ્ડર્સ: નેહા, સલીમા ટેટે, શર્મિલા દેવી, મનીષા ચૌહાણ, સુનેલિતા ટોપ્પો, લાલરેમ્સિયામી.
ફોરવર્ડ: નવનીત કૌર, પ્રીતિ દુબે, સંગીતા કુમારી, દીપિકા, બ્યુટી ડુંગડુંગ.