પ્રિયંકા ગાંધીએ રાહુલના નામે લોકોના મત માંગ્યા! કહ્યું, હું તમને નિરાશ નહીં કરું
વાયનાડ: રાહુલ ગાંધીએ ખાલી કરેલી કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી(Waynad by election)માં કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી લડશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, આ દરમિયન તેમણે તેમના ભાઈ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોનો આભાર માન્યો અને કહ્યું કે રાહુલ ગાંધીને આ સીટ છોડવાથી ખૂબ જ દુઃખ થયું છે. જ્યારે બધાએ તેમની સામે પીઠ ફેરવી ત્યારે તમે તેમને ટેકો આપ્યો. તેઓ અંગત રીતે પણ કહે છે કે તમે તેમના માટે પરિવાર જેવા છો.
આ દરમિયાન કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારના કારણે સમુદાયોમાં ભય, અવિશ્વાસ અને ગુસ્સો છે, મણિપુરમાં આયોજનબદ્ધ આવું કામ કરવામાં આવી રહ્યું છે. બંધારણના મૂલ્યો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોના બદલે પીએમના મિત્રોના ફાયદા માટે નીતિઓ બનાવવામાં આવે છે. ખેડૂતો અને આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે.
વાયનાડના સ્થાનિક મુદ્દાઓ જેમ કે મેડિકલ કોલેજ, જંગલી પ્રાણીઓના ઉપદ્રવની સમસ્યાઓનો ઉલ્લેખ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધીની જેમ હું પણ અહીંના મુદ્દાઓને પૂરી તાકાતથી ઉઠાવીશ.
તેમણે કહ્યું કે આજે આપણે બંધારણ, લોકશાહી, સમાનતા અને સત્ય માટે લડી રહ્યા છીએ. તમે આ લડાઈમાં સમાનરીતે ભાગીદાર છો. તમે તમારા મતથી સત્યને સમર્થન આપી શકો છો. જો તમે મારા પર વિશ્વાસ કરશો, તો હું તમને નિરાશ નહીં કરું.