કોપરી-પાચપાખાડી સીટ પરથી સીએમ શિંદેએ ભર્યું ઉમેદવારી પત્ર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સોમવારે થાણે જિલ્લામાં કોપરી-પાચપાખાડી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યુ છે.તેઓ જ્યારે ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે તેમની સાથે તેમના પરિવારજનો અને નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે હતા. નામાંકન ભર્યા બાદ શિંદે સેનાના કાર્યકરોએ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. સીએમ શિંદેને સમર્થન આપવા માટે નામાંકન સ્થળ પર તેમના પક્ષના અનેક નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા હતા. નામાંકન ભર્યા બાદ તેમના સમર્થનમાં મોટી રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં નેતાઓ, વિધાન સભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા.
શિંદેને પડકારવા માટે, શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) એ થાણેના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને આ બેઠક પરથી ઉતાર્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે.
આ પહેલા સોમવારે નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારે બારામતી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિધાનસભાની ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની 2019ની ચૂંટણીમાં ભાજપે 105, શિવસેનાને 56 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.
કોપરી-પાચપાખાડી સીટ પરથી સીએમ શિંદે સતત જીત્યા છે. આ સીટ તેમનું ઘર અને ગઢ ગણાય છે. હવે ફરી વાર તેઓ નસીબ અજમાવવા જઇ રહ્યા છે. દરમિયાન શિવસેનાના નેતાઓનું કહેવું છે કે એકનાથ શિંદેને બાળાસાહેબ ઠાકરે અને મહારાષ્ટ્રના લોકોના આશીર્વાદ છે. તેઓ આ વખતે પણ જરૂર જીતશે જ અને ફરી વાર મુખ્ય પ્રધાન પણ બનશે.
ઉદ્ધવ ઠાકરેના બળવા બાદ સીએમ એકનાથ શિંદે માટે હાલની વિધાનસભાની ચૂંટણી લિટમસ ટેસ્ટથી ઓછી નથી. લોકસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેના પક્ષના સાત સાંસદો ચૂંટાયા છે. બળવા બાદ જ્યારે સીએમ શિંદે પહેલી વાર વિધાનસભામાં ગયા ત્યારે તેમણે તેમના વિધાન સભ્યોને વચન આપ્યું હતું કે તેઓ તેમના બધા વિધાન સભ્યોને પાછા જીતાડશે, નહીં તો તેઓ રાજનીતિ છોડી ખેતીમાં જોડાઇ જશે.
એકનાથ શિંદે માટે આ ચૂંટણી જીતવી એટલી સરળ નથી. તેમણે 80 ઉમેદવાર ઊભા રાખ્યા છે. આ વખતે તેમણે એમવીએ ઉપરાંત મનસે સામે પણ સ્પર્ધા કરવાની છે અને વચન પ્રમાણે 40 વિધાન સભ્યોને જીતાડવાના છે, જે પડકારજનક લાગી રહ્યું છે.