આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને કરી અમિત શાહ સાથે મુલાકાત
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમને પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ સહિત રાજ્ય સાથે સંબંધિત લાંબા સમયથી પડતર મુદ્દાઓ પર ધ્યાન આપવાની અને આંધ્રપ્રદેશના લોકોના હિતમાં કામ કરવા વિનંતી કરી હતી.
અમિત શાહના સત્તાવાર નિવાસ સ્થાને આ બેઠક યોજાઇ હતી. શાહના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં સીએમ રેડ્ડીએ રાજ્યના તમામ પડતર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં પોલાવરમ પ્રોજેક્ટ માટે સરકારી તિજોરીમાંથી રૂ. 1,310 કરોડની બાકી રકમની ભરપાઈ એ બેઠક દરમિયાન ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓમાંનો એક હતો.
સી એમ જગન રેડ્ડી અમિત શાહને મળવા પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. તેઓ શનિવારે સવારે વિજયવાડા જવા રવાના થઈ રહ્યા છે.
રેડ્ડીએ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ડાબેરી ઉગ્રવાદ પરના મુખ્ય પ્રધાનોની પરિષદમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં જગને કહ્યું હતું કે તેમના રાજ્યમાં ડાબેરી ઉગ્રવાદ ઘટી રહ્યો છે. માઓવાદી પ્રવૃતિઓ માત્ર અમુક ભાગો સુધી મર્યાદિત છે. રેડ્ડીએ સૂચન કર્યું હતું કે ઉગ્રવાદ સામે કેન્દ્ર સાથે રાજ્યોએ પણ સતત અને સહયોગી પ્રયાસો કરવાની જરૂર છે.