સિક્કિમ હોનારત: અત્યાર સુધીમાં સૈન્યના 11 જવાનો સહિત 51ના મોત
ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદી પર આવેલો ડેમ તૂટી જતા ભયંકર પૂર આવ્યું હતું, આ હોનારતમાં મૃતકોની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે, જેમાં 11 સેનાના જવાનો પણ સામેલ છે. જેમાંથી 26 મૃતદેહો સિક્કિમમાં અને 25 મૃતદેહો પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. 142 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે ઘાયલોની સંખ્યા 26 છે. મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે શુક્રવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે આપેલી માહિતી મુજબ, પૂર પ્રભાવિત ચાર જિલ્લા મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચીમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે, જેમાં સાત સેનાના જવાનો પણ સામેલ છે. જલપાઈગુડીના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં જલપાઈગુડીમાંથી 25 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી ચાર મૃતદેહો સેનાના જવાનોના છે. જોકે, એ સ્પષ્ટ નથી શક્યું નથી કે આ સૈનિકો સિક્કિમમાં ગુમ થયેલા સૈનિકોમાં સામેલ છે કે નહીં.
પૂરને કારણે શહીદ થયેલા ચારની ઓળખ થઈ ગઈ છે. તેમની ઓળખ બિન્નાગુરી મિલિટરી સ્ટેશનના ગોપાલ મદ્દી, બાંગડુબીના 64 બ્રિગેડના નાઈક ભવાન સિંહ ચૌહાણ, અલીપુરદ્વારના મધુબનના નાઈક એનજી પ્રસાદ અને બિમલ ઓરાઓન તરીકે થઈ હતી.
આઈટીબિપીના હિમવીરોએ ઉત્તર સિક્કિમમાં પૂરના કારણે છેલ્લા ત્રણ દિવસથી 16,000 ફૂટની ઊંચાઈએ ફસાયેલા 68 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. રાજ્ય પ્રસાશનના જણાવ્યા અનુસાર ચાર જિલ્લાના 27 વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે. 2,376 મકાનોને નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં 25,065 લોકો પ્રભાવિત થયા છે, અત્યાર સુધીમાં 26 લોકો ઘાયલ થયા છે,2413 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 22 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં 6,875 લોકો શરણ લઇ રહ્યા છે. પૂરમાં 13 પુલ ધરાશાયી થયા છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં તીસ્તા નદીમાં તરતા મોર્ટારને અડકવાથી વિસ્ફોટ થતા બે લોકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. આ પછી, પોલીસ, સેના અને પ્રશાસને નિવેદનો જાહેર કરીને લોકોને કોઈપણ વિસ્ફોટક અથવા આવી કોઈ સામગ્રી જોવા મળે તો તેનાથી દુર રહવા અને નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવા કહ્યું હતું.
વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ લોનાક તળાવ પર ગ્લેશિયરને કારણે આપવા પૂરની ચેતવણી આપવા માટે એક સિસ્ટમ પર કામ કરી રહ્યા હતા. તેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ સિસ્ટમ કામ કરતી થઇ ગઈ હોત તો પૂરની આગોતરી ચેતવણી મળ્યા બાદ લોકોને બહાર કાઢવામાં થોડો વધુ સમય મળ્યો હોત અને લોકોના જીવ બચી ગયા હોત.