ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ભારતીય તહેવારોની ઉજવણી

ચિંતન -હેમુ ભીખુ

ઉત્સવ એટલે જ આનંદની ઘટના. અહીં પ્રવર્તમાન દરેક પ્રકારની માનસિક તાણથી મુક્ત થઈ માનવી શારીરિક તેમ જ આર્થિક ક્ષમતા પ્રમાણે પ્રસંગને માણવાનો પ્રયત્ન કરે છે. આ પ્રસંગ સાથે જ્યારે ધાર્મિકતા, સંસ્કૃતિ, પરંપરા, આધ્યાત્મિકતા, સામાજિક સમીકરણ તથા ભાવનાત્મક સંબંધો સંકળાય ત્યારે ઉત્સવની મજા જ જુદા સ્તરની થઈ જાય. ઉત્સવની આ પ્રકારની ખુશી, ખુશી ન રહેતા આનંદમાં પરિણમે. ખુશી એટલે ઇચ્છિત મળવાથી ઉદ્ભવતો ભાવ અને આનંદ એટલે અંતર-આત્મામાંથી ઊભરતો પ્રવાહ. ક્યારેક એમ જણાય છે કે ખુશી એ ઇન્દ્રિયોનો વિષય છે જ્યારે આનંદ એ શાશ્ર્વત સ્વભાવ છે. 

ખુશી એક વાર પ્રાપ્ત થયા પછી તેનો લય પણ સંભવે જ્યારે આનંદ ચિરકાળ સુધી વહેતો પ્રવાહ છે. ભારતીય તહેવારો જાણે આ આનંદની પ્રાપ્તિ માટેની તક છે.

દિવાળીના દિવસે માત્ર દીવા પ્રગટાવીને ફટાકડા નથી ફોડાતાં, અહીં જીવનમાં પ્રકાશનું વ્યવહારુ તેમ જ આધ્યાત્મિક મહત્ત્વ સમજાતું હોય છે. મહાશિવરાત્રીના દિવસે માત્ર અભિષેક કરવાનો નથી હોતો, અહીં તો સૃષ્ટિના પરમ કલ્યાણકારી શિવ-તત્ત્વ સાથે ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરવાનો હોય છે. રક્ષાબંધન એ હાથે માત્ર રક્ષા નથી બંધાતી, અહીં જીવનના સૌથી પવિત્ર અને નિર્દોષ પ્રેમની અભિવ્યક્તિ હોય છે અને તે પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવતી હોય છે. ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ ચડાવવાનો નથી હોતો, અહીં કુદરતના એક અદ્ભુત તત્ત્વ પવન સાથે તાલમેલ મેળવવાની વાત હોય છે. આ પવન બહારનો પણ હોય અને અંદરનો પણ. તેવી જ રીતે આ દિવસે સૂર્યને ગતિને સમજવાની પણ મળે છે. ધુળેટીના દિવસે માત્ર ગુલાલ નથી ઉડાડવાનો, અહીં તો, કૌટુંબીક સમીકરણોની ઉપર જઈ ધર્મ અને સત્યની સ્થાપનાને માણવાની હોય છે.

| Also read:દિવાળીના દિવસોમાં દીપદાનનું મળે છે અક્ષય પુણ્ય

વસંતપંચમીએ માત્ર ખેતરમાં તૈયાર થયેલી સમૃદ્ધિને માણવાની નથી હોતી, તે દિવસ તો સંસાર-ચક્રને પ્રવર્તમાન રાખનાર પવિત્ર પ્રેમના પ્રાદુર્ભાવનો અને મા સરસ્વતીના પ્રાગટ્યનો દિન છે. આ તો રતિ-કામદેવના પ્રેમ સાથે જ્ઞાનને જોડવાનું પ્રસંગ છે. શ્રી રામ અને શ્રીકૃષ્ણનાં જન્મદિવસ તો ઉજવાય તે સ્વાભાવિક છે, પણ તે સમયે આદર્શ અને કર્તવ્યનિષ્ઠા વચ્ચેનું સંતુલન સમજવાની તક છે. લાભ પાંચમે પ્રત્યેક માટે લાભની સ્થિતિ ઉત્પન્ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. શરદ પૂનમે ચંદ્રની શીતળતા સાથે કૃષ્ણની મધુરતા અને તેમનું સર્વત્રપણું મનમાં રમે છે. 

ગણેશ ચતુર્થીના દિવસે વિશાળ તથા સંયમિત અસ્તિત્વ સાથે રિદ્ધિ-સિદ્ધિ તથા શુભ-લાભનું સમીકરણ સમજમાં આવે છે. હનુમાન જયંતીના દિવસે તેલ અને સિંદૂર તો પ્રતીક માત્ર છે, પરંતુ ઈશ્ર્વર પરની શ્રદ્ધા, ઈશ્ર્વર માટેનું સમર્પણ તથા ઈશ્ર્વર દ્વારા સ્થાપિત સામાજિક નૈતિકતાના સાક્ષાત્ અવતાર સમા હનુમાનજીની નજીક પહોંચવાનો પ્રસંગ છે. નવરાત્રીના દિવસોમાં માતાની આરાધના શાસ્ત્રીય રીતે પણ થઈ શકે અને સામૂહિક રીતે નૃત્ય અને સંગીત દ્વારા પણ થઈ શકે. એક તરફ માતા રૂપે પરમ શક્તિની ઉપાસના છે તો બીજી તરફ માતાજીના પરમ પ્રેમની અનુભૂતિ છે.

સનાતની સંસ્કૃતિનો દરેક તહેવાર જે સ્વાભાવિક બાબતો છે એનાથી આગળ ઘણું કહી જાય છે. અહીં માત્ર ઉજવણી નથી ચોક્કસ પ્રકારની જાગ્રતતા માટેની તક છે. અહીં માત્ર ખુશી કે આનંદ નથી, અહીં સામૂહિક કર્તવ્ય બદ્ધતા અને ઉત્તરદાયિત્વની નિભાવણી છે. અહીં માત્ર પરંપરાગત રીતભાતનું મહત્ત્વ નથી, તેની પાછળ છુપાયેલી ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક પરંપરા પ્રત્યેની નિષ્ઠા છે. સનાતની સંસ્કૃતિના તહેવારની ઉજવણી પાછળ વ્યક્તિગતતા નથી, પરંતુ સામૂહિકતા અને સમરસતાનો ભાવ છે. આ ઉજવણી પવિત્ર અને નિર્દોષ વિચારધારાને આધારિત હોય છે. આ તહેવારો સાથે પવિત્રતા, નિર્લેપતા, નિર્દોષતા, પાવકતા તથા સાત્ત્વિકતા વણાયેલી હોય છે. આ સમગ્ર ઉજવણી ચોક્કસ પ્રકારની સંવેદનશીલતા અને સભાનતા આધારિત હોય છે.

ક્યાંક રંગ તો ક્યાંક પ્રકાશ. ક્યાંક પવન સાથેનો તાલમેલ તો ક્યાંક પ્રવાહમાં વિસર્જન. ક્યાંક ઐતિહાસિક પ્રસંગ તો ક્યાંક પવિત્ર વિચારધારા. ક્યાંક વ્યક્તિલક્ષી બાબત તો ક્યાંક સિદ્ધાંત આધારિત ઘટના. ક્યાંક બહાર ઊછળીને વ્યક્ત થતો ઊમળકો તો ક્યાંક અંતરના ઊંડાણમાં ડોકિયું કરવાની સલાહ. ક્યાંક મર્યાદિત સમયને આધારિત નિર્ધારિત થતી બાબતો તો ક્યાંક વિસ્તૃત સમયગાળાની ઘટના. ક્યાંક પર્યાવરણ સાથેનો તાલમેલ તો ક્યાંક ભાવાત્મક સંબંધોનું મહત્ત્વ. ક્યાંક નવીનતા માટેનો આગ્રહ તો ક્યાંક પૌરાણિક સત્ય તરફનો લગાવ. ક્યાંક સંગીત અને નૃત્યનું મહત્ત્વ તો ક્યાંક સાધના માટેની પ્રેરણા. 

ક્યારેક નદી કિનારાનું મહત્ત્વ તો ક્યારેક ગામના ચોગાનમાં અભિવ્યક્ત કરાતી ભાવનાઓ. ક્યાં પૂર્ણ શણગાર તું ક્યાંક અદ્ભુત સાદગી. સનાતની સંસ્કૃતિના તહેવારની ઉજવણીમાં જે ભિન્નતા વર્તાય છે, તેનો જે વિસ્તાર છે, તેમાં જે જે સંભાવનાઓ છે, તેની સાથે જોડાયેલી જે અદ્ભુત વિચારધારા છે, તેમાં ઊંડાણ પણ ઘણું છે અને તેનો વ્યાપ પણ અનેરો છે.

| Also read:બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૭

સનાતની સંસ્કૃતિનો મૂળ આધાર જ અહ્મ બ્રહ્માસ્મિ સાથે તત્ત્વમસિનો છે. હું બ્રહ્મ છું અને તમે પણ બ્રહ્મ છો. જે મારું અસ્તિત્વ છે તે જ તમારું છે. જે મારી સાથે સંભાવનાઓ છે તે તમારી સાથે પણ તેટલાં જ પ્રમાણમાં છે. જે અધિકાર મારો છે તેવો તમારો પણ છે. ઈશ્વર મારો પણ છે અને તમારો પણ, તેના નિમિત્તે થતી ઉજવણી મારા માટે પણ છે અને તમારા માટે પણ. મને પણ ઉજવણીનો જેટલો અધિકાર છે એટલો તમને પણ છે. જુદી જુદી વિચારધારાને અનુસરવાની મને જે સ્વતંત્રતા છે તે તમને પણ છે. અહીં કોઈ માન્યતાનો વિરોધ નથી. અહીં સંકુચિતતાને સ્થાન નથી. અહીં કોઈ ભેદ નથી અને ભેદ ઉદ્ભવ થઈ શકે એવો આધાર 

નથી. દરેક તહેવારની ઉજવણી, દરેક પ્રકારે, દરેક વ્યક્તિ દ્વારા, જે તે પ્રાપ્ય સાધનોથી સંભવ બની શકે તેવી આ સમાવેશીય વ્યવસ્થા છે.                                                                                               

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker