આમચી મુંબઈ

દિવાળીની સફાઈમાં મુંબઈની મહિલાએ રૂ.4 લાખના દાગીના ગુમાવ્યા

જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવે છે તેમ તેમ લોકો ઝડપી હોમ મેકઓવર કરવા માટે સફાઈ સેવાઓ બુક કરવા માટે ઓનલાઈન એપ્સ તરફ વળે છે. ઓનલાઇન એપ્સ તમને સગવડ સુવિધાનું વચન આપે છે. આંગળીને ટેરવે બસ તમારે તેમની સર્વિસ બુક કરવાની હોય છે અને તમારા ઘરની સફાઇ થઇ જાય છે. પણ તાજેતરના કેસોએ આવી ઓનલાઇન એપ્સની સેવાઓ બુક કરવાના સંભવિત જોખમોને પ્રકાશિત કર્યા છે.

| Also read: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ

ઘરની સફાઇના બહાને સફાઇ કામ કરવા આવેલા એટેન્ડટો તમારા ઘરની કિંમતી ચીજોની પણ ચોરી કરી જાય છે. આવો જ એક કિસ્સો હાલમા જાણવા મળ્યો છે. દહિસર પૂર્વના ઉચ્ચ-મધ્યમ-વર્ગીય વિસ્તાર ગણાતા જેએસ રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટીમાં રહેતી 55 વર્ષીય લીના મ્હાત્રેએ 21 ઓક્ટોબરે No Broker એપ દ્વારા દિવાળીની સફાઈ સેવા બુક કરી હતી. બીજા દિવસે, સવારે 9 વાગ્યે, બે વ્યક્તિઓ સફાઈ કામ માટે તેના ઘરે પહોંચી હતી. સફાઇ કામ દરમિયાન તેઓ કથિત રીતે અંદાજે રૂ.4 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ચાલ્યા ગયા હતા. તેઓના ગયા બાદ લીના મ્હાત્રેને ચોરીની જાણ થઇ હતી અને તેમણે તરત જ પોલીસને ઘટનાની જાણ કરી અને ફરિયાદ નોંધાવી હતી.


પોલીસે આ કેસમાં અરબાઝ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય બે શકમંદોની અટકાયત કરી છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને ચોરીના દાગીના રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું એપ નો બ્રોકરે કર્મચારીઓની ભરતી કરતા પહેલા બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કર્યું હતું. આ ઘટનાએ બહારના લોકોને ઘરમાં પ્રવેશ આપવાના જોખમો પર સવાલો ઉભા કર્યા છે.

| Also read: વિવાદીત સસ્પેન્ડેડ આઈએએસ પૂજા ખેડેકરની પિતા ચૂંટણી મેદાનમાં, પત્ની વિશે એફિડેવિટમાં કહ્યું કે….


આ ઘટના એ ચેતવણી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સેવાઓનું બુકિંગ કરતી વખતે સાવધાની રાખવી જોઇએ અને ઘરની મુલાકાત લેતા બહારના લોકો પર નજર રાખવી જોઇએ. પોલીસનું કહેવું છે કે આવા કેસમાં વેરિફિકેશન જરૂરી છે જેથી છેતરપિંડીથી બચી શકાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button