વરલી બેઠક પર થશે બરાબરીનો જંગ, બેઉ બળિયા બાથ ભીડશે
મુંબઇઃ મહારાષ્ટ્રની વિધાન સભાની ચૂંટણી રસપ્રદ બની રહી છે.એકનાથ શિંદેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. શિંદે જૂથે રાજ્યસભાના સભ્ય મિલિંદ દેવરાને મુંબઈની વરલી બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના (UBT)ના ઉમેદવાર આદિત્ય ઠાકરે સામે વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. આદિત્ય ઠાકરેએ MNSના સંદીપ દેશપાંડે સાથે પણ સ્પર્ધા કરવી પડશે જેમને પણ વરલી મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. વરલી મતવિસ્તાર પરંપરાગત રીતે આદિત્ય ઠાકરેનો ગઢ ગણાય છે. આમ વરલી બેઠક પર ત્રિપાંખિયો જંગ લડાશે.
| Also read: 26/11 મુંબઈ હુમલાનો જવાબ ભારતે આપ્યો નહોતો, પણ હવે નહીં ચલાવાયઃ જયશંકરે મુંબઈમાં કરી મોટી વાત…
રાજસ્થાનના વતની અને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈથી ત્રણ વખત સાંસદ તરીકે રાજકીય ઈતિહાસ ધરાવે છે. માત્ર 27 વર્ષની વયે તેઓ ભારતીય રાજકારણમાં જોડાયા હતા. કૉંગ્રેસની મનમોહન સિંહની સરકારમાં તેમણે સંચાર અને માહિતી ટેકનોલોજી અને શિપિંગ રાજ્ય મંત્રી જેવા અનેક સરકારી હોદ્દા સંભાળ્યા હતા. મિલિંદ દેવરા લોકસભાની ચૂંટણી પહેલા જ શિવસેનામાં જોડાયા હતા.
| Also read: Assembly Election: MVA અને મહાયુતિ માટે બાકી સીટની ફાળવણી માટે કપરા ચઢાણ, જાણો કેટલી જાહેર કરવાની રહી?
ત્યાર બાદ તેમને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા હતા. અગાઉની લોકસભા ચૂંટણીમાં મિલિંદ દેવરાને શિવસેના દ્વારા વરલી મતવિસ્તારનું સંચાલન કરવાનું કામ સોંપાયું હતું. દેવરાને આદિત્ય ઠાકરે સામે મેદાનમાં ઉતારવાનો નિર્ણય વરલીની હરીફાઈને ખૂબ જ રોમાંચક બનાવશે. રાજકીય નિષ્ણાતો માને છે કે મિલિંદ દેવરા વરલીમાં પ્રભાવ બનાવવામાં સફળ થઈ શકે છે. તેઓ મધ્યમ વર્ગના મહારાષ્ટ્રીયન , માછીમારો તેમ જ આ મતવિસ્તારમાં રહેતા સમૃદ્ધ વર્ગને આકર્ષી શકે છે.
| Also read: જરૂર પડશે તો કોનો સાથ લેશો? શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરે? ફડણવીસે શું કહ્યું?
આ ઉપરાંત શિંદેની શિવસેનાએ કૉંગ્રેસના પૂર્વ સાંસદ સંજય નિરૂપમને ડિંડોશી બેઠક પરથી ઉમેદવારી આપી છે. નિરૂપમ કૉંગ્રેસ છોડી શિંદે સેનામાં જોડાયા હતા. આ ઉપરાંત અન્ય મહત્વના ઉમેદવારોમાં શિંદે સેનાએ કુડાલ મતવિસ્તારમાંથી ભાજપના લોકસભા સાંસદ નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેને મેદાનમાં ઉતાર્યા છે અને વાશિમ જિલ્લાના રિસોદથી વિધાન પરિષદના સભ્ય અને ભૂતપૂર્વ સાંસદ ભાવના ગવલીને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે. હવે ચૂંટણીના પરિણામો પછી જ ખબર પડશે કે મિલિંદ દેવરા વરલીમાં મતદારોને રીઝવવામાં કેટલા સફળ થઇ શકે છે.