ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

સ્વયંસિદ્ધ સત્ય

મનન -હેમંત વાળા

સત્ય સ્વયં આધારિત છે. સત્ય પારદર્શી છે. સત્ય નિર્દોષ છે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય અફર છે. સત્ય સત્ય છે. સત્ય સર્વત્ર સદા સન્માનનીય છે.

સત્ય એટલે એવું વિધાન કે જેમાં જે તે પરિસ્થિતિનું નિરૂપણ જેમનું તેમ કરવામાં આવે. સત્ય એટલે યથાર્થની રજૂઆત. સત્ય એટલે કોઈપણ પ્રકારના સ્વાર્થ કે તાદાત્મ્યતા વગર કહેવાયેલી બાબત. સત્યથી વિપરીત અસત્ય પણ હોઈ શકે અને મિથ્યા પણ. અસત્ય અને મિથ્યા વચ્ચે ભેદ છે.

| Also Read: બટેંગે તો કટેંગે તે બરાબર, પણ હિંદુઓને એક કઈ રીતે કરવા?

પ્રમાણના જે વિવિધ પરિમાણો છે તેમાં પ્રત્યક્ષ દ્વારા સત્ય સ્થાપિત થવાની સંભાવના સૌથી વધુ હોય છે. કહેવાય છે કે આંખો ક્યારેય જૂઠું ન બોલે અને તેથી જ આંખ જે નક્કી કરે તે સત્ય. અનુમાનમાં પૂર્વાપર સંબંધની સમજ જરૂરી છે. અહીં એકના આધારે બીજો નિર્ણય લેવાય છે. અહીં આધાર આપતી પરિસ્થિતિ માટે સ્પષ્ટતા, હયાત પરિસ્થિતિની સમજ અને આ બંને વચ્ચેનો સંબંધ યોગ્ય હોય તો જ અનુમાનથી સત્ય પામી શકાય. ઉપમાનમાં પણ મર્યાદા રહેલી છે. અહીં બે બાબતો વચ્ચેની સામ્યતાથી સમજ સ્થપાય છે. આવી સામ્યતા ક્યારેય સંપૂર્ણતામાં સંભવી ન શકે. તેથી ક્યાંક શંકાને સ્થાન મળી રહે. ધારણા એક પ્રકારનું અનુમાન જ છે. અહીં ફળીભૂત થયેલી ઘટનાઓની શૃંખલાને આધારે નિર્ણય લેવાય છે. પ્રમાણ માટેનું અંતિમ માધ્યમ ‘શબ્દ’-જે તે બાબતમાં પારંગત વ્યક્તિ દ્વારા નિર્ધારિત થયેલી બાબત છે. આવી બાબત સત્ય હોવાની સંભાવના વધુ છે. જ્ઞાન માટે કપિલ મુનિનું વાક્ય અંતિમ માની શકાય તો યોગ સાધના માટે પતંજલિનું વિધાન સાચું માનવું પડે.

અર્થાત્ એમ માની શકાય કે જે દેખાયું છે, જે અનુભવાયું છે, જે સમજાયું છે તેની યથા સ્વરૂપની રજૂઆત એટલે સત્ય. બની શકે કે માનવીની મર્યાદાઓને કારણે સત્ય સંપૂર્ણતામાં છતું ન થયું હોય. જે વ્યક્તિની રંગ પારખવાની શક્તિ નબળી હોય તે વ્યક્તિ રંગની બાબતમાં જે ‘સત્ય’ કહે તે ‘અસત્ય’ પણ હોઈ શકે. આવા સંજોગોમાં સત્યની વ્યાખ્યા જટિલ બની રહે. અહીં કોઈનો અસત્ય કહેવાનો આશય નથી હોતો, તેથી અસત્ય કથન માફીને યોગ્ય છે. પરંતુ તેનાથી અસત્ય સત્યમાં પરાવર્તિત નથી થઈ જતું અને તેથી જ એમ માનવા મન પ્રેરાય છે કે સત્ય ક્યારેક વ્યક્તિની ક્ષમતાની બહારનો વિષય બની રહે. સત્ય વ્યક્તિ આધારિત ન હોઈ શકે. સત્ય સંજોગો આધારિત પણ ન હોઈ શકે. સત્ય સમયના બંધનમાં પણ ન બંધાય. સત્ય શાશ્ર્વત છે, અખંડ છે, અલિપ્ત છે, નિર્દોષ છે. એમ માનવામાં આવે છે કે વિજ્ઞાન અને ગણિત સત્ય પર આધારિત છે. તત્ત્વજ્ઞાનના મૂળમાં સત્યની શોધની ઈચ્છા છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સત્ય એ મુક્તિ માટેનું સાધન ગણાય છે. રોજિંદા વ્યવહારમાં સત્યનું નૈતિક મહત્ત્વ છે. સત્ય એક રિવાજ છે જેનાથી સમાજની પ્રત્યેક વ્યક્તિને અનુકૂળતા રહે છે. સત્ય પૂર્વકના વ્યવહારથી સમાજમાં સુસંવાદિતતા અને નૈતિકતા જળવાઈ શકે.

આમ તો એમ કહેવાય છે કે પરબ્રહ્મને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. છતાં પણ આધ્યાત્મિક વિશ્ર્વમાં સત્યનું મહત્ત્વ સ્થાપિત થયેલું છે. સત્યના આચરણથી આધ્યાત્મિક પ્રગતિની સંભાવનાઓ વધી જાય છે. સત્ય બોલવાથી ઘણાં દોષ નાબૂદ થવાની સંભાવના ઊભી થાય છે. સત્યમાં પરિસ્થિતિનું જેમનું તેમ નિરૂપણ કરવાનું હોવાથી અહીં સ્વાર્થ તેમજ અહંકારનો છેદ ઊડી જાય છે. કોઈપણ પ્રકારનો લગાવ સત્યમાં પ્રતિબિંબિત ન થઈ શકે. સત્ય કોઈ દિવસ ‘મારુ’ કે ‘તારુ’ ન હોઈ શકે. સત્ય અત્યારનું અને પછીનું પણ ન હોઈ શકે. સત્ય માટે ‘અહીં’નું કે ‘તહીં’નું જેવો ભેદ પણ ન હોય. દરેક પરિસ્થિતિમાં સત્ય સત્ય જ રહે છે.

| Also Read: જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે…

ચાર પ્રકારના પુરુષાર્થમાંથી, સત્ય બોલવું એ ધર્મ છે. સત્ય થકી મોક્ષની પ્રાપ્તિ પણ સંભવ છે. પ્રશ્ર્ન કામ અને અર્થમાં છે. કામના કે ઈચ્છા સંસારના નીતિ નિયમોને આધારિત હોય તો તે સત્યની શ્રેણીમાં આવી શકે. તેવી જ રીતે આર્થિક આયોજનમાં પણ નીતિમત્તાના ઉચ્ચ ધોરણ જાળવી શકાય. સત્યનું આ વ્યવહારુ સ્વરૂપ છે. સત્ય માત્ર કથન સ્વરૂપ નથી. વિચારોમાં પણ સત્ય હોવું જરૂરી છે અને કર્મમાં પણ તેનું તેટલું જ મહત્ત્વ છે. મન – વચન – કર્મ, એ ત્રણેમાં જો, સ્વાર્થને બાજુ મૂકીને, હકીકતનું નિરૂપણ કરવાની ભાવના હોય તો સત્ય સમગ્રતામાં સ્થાપિત થઈ શકે. સત્ય માત્ર શબ્દોથી થતી રજૂઆત નથી. સત્ય જીવનનો આધાર છે. સત્ય જીવનનો હેતુ છે. જીવનના અંતે સત્યની પ્રાપ્તિ થાય તે ઇચ્છનીય બાબત ગણાય. આ માટે સમગ્ર જીવન સત્યને સમર્પિત હોવું જોઈએ. આ સત્ય એટલે ઈશ્ર્વરનું પ્રતિનિધિ.

સામાન્ય રીતે સત્યની રજૂઆત સરળ હોય. સત્ય કહેવા માટે વિદ્વત્તાની જરૂર નથી. બાળક દ્વારા કહેવાયું સત્ય પણ તેટલું જ યથાર્થ હોય છે. સત્ય ક્યારેય બોલનાર પર અવલંબિત નથી હોતું. બોલનાર સત્ય બોલે કે અસત્ય, સત્ય તો સત્ય જ રહે છે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્યને ક્યારેય પોતાના માટે દલીલ ન કરવી પડે. એક સમયે એમ વર્તાતું ન હોય તો પણ સત્યની હયાતી સદાની છે.

| Also Read: ઇન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ્સ માટેનું ખૂબ નબળું બજાર એટલે ભારત!

જ્યારે અંધારામાંથી પ્રકાશ તરફ જવાની વાત થાય ત્યારે પ્રકાશનું મહત્ત્વ સ્થાપિત થાય. જ્યારે મૃત્યુથી અમૃત તરફ જવાની વાત થાય ત્યારે સાચા અર્થમાં જીવનની ક્ષણભંગુરતા સમજાય. જ્યારે અસત્યથી સત્ય તરફ લઈ જવાની વાત કરવામાં આવે સત્યનું માહાત્મ્ય સમજાય. સત્યના પાલનમાં રાજા હરિશ્ર્ચંદ્રને ઘણી તકલીફ પડી હતી. તેમની પત્ની અને પુત્રને વેચાવું પડ્યું હતું. સમગ્રતામાં વસેલ સત્યનું આ ઉદાહરણ છે. વ્યવહારના દરેક પાસામાં સત્ય સમાયેલું હોવું જોઈએ. સત્ય જીવવાનું હોય. સત્ય એ જીવનશૈલી છે – માત્ર શબ્દોની કથની નથી.          

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button