એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવ્યું
હોંગઝોંઉ: ભારત સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને એશિયન ગેમ્સ ૨૦૨૩ની ફાઇનલમાં પહોંચ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાનો ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ર્ચિત થયો હતો. ફાઇનલમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચના વિજેતા સામે થશે. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
આ મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંગલાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પહેલી વિકેટ ૧૮ રનના સ્કોર પર પડી હતી. આ પછી બંગલાદેશની ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી અને ૯૬ રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ઝાકિર અલીએ સૌથી વધુ અણનમ ૨૪ રન ફટકાર્યા હતા. પરવેઝ હુસને ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. આ બે સિવાય માત્ર રાકીબુલ હસન (૧૪ રન) જ ડબલ ફિગર પાર કરી
શક્યો હતો.
બાંગ્લાદેશના સાત બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. બે બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ભારત તરફથી રવિ સાંઈ કિશોરે ત્રણ વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરને બે વિકેટ મળી હતી. અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહેમદને એક-એક વિકેટ મળી હતી.
૯૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. છેલ્લી મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જો કે આ પછી તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડે વિસ્ફોટક બેટિંગ કરી હતી.
ચોથી ઓવરમાં જ ભારતનો સ્કોર ૫૦ રન સુધી પહોંચી ગયો હતો. તિલકે નવમી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતે ૯.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૯૭ રન કર્યા હતા અને મેચ જીતી લીધી હતી. તિલક વર્મા ૨૬ બોલમાં ૫૫ રન અને ઋતુરાજ ગાયકવાડ ૨૬ બોલમાં ૪૦ રન કરી અણનમ રહ્યા હતા. બંગલાદેશ તરફથી રિપોન મોંડલે એકમાત્ર વિકેટ ઝડપી હતી.ઉ