ચૂંટણી ઢંઢેરાને લઇને NCP-શરદ પવાર જૂથના બે મોટા નેતા બાખડ્યા
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ દરેક પક્ષો લોકોને રિઝવવાની તૈયારીમાં લાગેલા છે. દરેક પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લોકોને આકર્ષક વચનોની લહાણી કરી રહ્યો છે. એનસીપી શરદ પવાર અને એનસીપી અજિત પવાર જૂથ તો રાજ્યમાં પોતાની તાકાત બતાવવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે, પણ ચૂંટણી વચનોને લઇને શરદ પવાર જૂથના જ બે મોટા નેતાઓ સામસામે આવી ગયા છે અને બાખડી પડ્યા છે. પરિસ્થિતિ તો એ હદે વણસી ગઇ હતી કે બંને નેતા વચ્ચે મારામારી પણ થઇ ગઇ હતી. જોકે, તે સમયે ત્યાં હાજર લોકોએ બંને વચ્ચે દરમિયાનગીરી કરી તેમને છોડાવ્યા હતા.
| Also Read: કોંગ્રેસે 14 ઉમેદવાર જાહેર કર્યાં, અંધેરી અને ઔરંગાબાદના ઉમેદવાર બદલ્યા…
આ ઘટના 27 ઓક્ટોબર 2024ની સાંજે મુબ્રા ખાતે બની હતી. એનસીપી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડ ત્યાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. આ સમયે તેમનો પાર્ટીના રાજ્ય લઘુમતી ઉપાધ્યક્ષ યુનુસ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. બંને શા કારણે મારામારી પર ઉતરી આવ્યા એ તો જાણવા નથી મળ્યું, પણ ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓને લઇને બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી, એમ કહેવામાં આવી રહ્યું છે. જિતેન્દ્ર આવ્હાડ તો આમ પણ તેમના ગુસ્સા માટે જાણીતા છે, પણ પાર્ટીના બે મોટા નેતા આમ જાહેરમાં બાખડે એ પાર્ટીમાં આંતરિક વિખવાદ દર્શાવે છે.
| Also Read: એકનાથ શિંદેની સેનાના બીજા 20 ઉમેદવાર જાહેર: અત્યાર સુધી 65 ઉમેદવાર
નોંધનીય છે કે મુંબ્રા જેવા મુસ્લિમ બહુમતી મતવિસ્તારોમાં NCP અજિત પવાર જૂથ અને NCP શરદ પવાર જૂથ તેમનો પ્રભાવ સ્થાપિત કરવા માટે સ્પર્ધા કરવામાં વ્યસ્ત છે. મુંબ્રા-કાલવા વિધાનસભા ક્ષેત્રમાં આવ્હાડ રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે અને પક્ષમાં જૂથવાદ પ્રબળ બની રહ્યો છે. NCP અજિત પવાર જૂથ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માગે છે.