ભારતની મહિલાઓ પણ ન્યૂ ઝીલૅન્ડ સામે હારી ગઈ
અમદાવાદ: શનિવારે પુણેની ટેસ્ટમાં ભારતના પુરુષ ખેલાડીઓની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝ હારી ગઈ ત્યાર બાદ રવિવારે અમદાવાદમાં ભારતની મહિલાઓએ પણ ન્યૂ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ સામે હાર જોવી પડી હતી.
બન્ને મહિલા ટીમ વચ્ચે અમદાવાદમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝ ચાલે છે જેની બીજી મૅચમાં કિવીઓની ટીમે 76 રનથી જીતીને શ્રેણીને 1-1થી બરાબરીમાં લાવી દીધી હતી.
ન્યૂ ઝીલૅન્ડે કૅપ્ટન સૉફી ડિવાઇનના 79 રનની મદદથી નવ વિકેટે 259 રન બનાવ્યા હતા. રાધા યાદવે ચાર વિકેટ લીધી હતી.
હરમનપ્રીતના સુકાનમાં ભારતીય ટીમ રાધાના 48 રનની વળતી લડત છતાં 183 રને ઑલઆઉટ થઈ હતી. રાધા-સાઇમા વચ્ચે નવમી વિકેટ માટે ભારત વતી 70 રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી.
હરમનપ્રીત 24 રન, ઓપનર શેફાલી 11 રન અને જેમાઈમા 17 રન બનાવી શકી હતી. વાઇસ કેપ્ટન મંધાના ઝીરોમાં આઉટ થઈ હતી.
ભારતે 24મીએ પ્રથમ મૅચ 59 રનથી જીતી લીધી હતી.
હવે ત્રીજી તથા અંતિમ વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) અમદાવાદમાં જ રમાશે.