વેપારશેર બજાર

શૅરબજારમાં એક જ સપ્તાહમાં રોકાણકારોના ૨૧.૪૭ લાખ કરોડ સ્વાહા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર માટે ઓક્ટોબર મહિનો વાસ્તવમાં અશુભ રહ્યો છે. એક મહિના જેટલા સમયમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે મંદીનું જોર વધ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા એક જ સપ્તાહમાં રોકાણકારોના ૨૧.૪૭ લાખ કરોડ સ્વાહા થઇ ગયા છે.

શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ આ પાંચ કારણો જવાબદાર હોવાનું તારણ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. જેમાં પ્રથમ ક્રમ એફઆઈઆઈની વેચવાલી છે. વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. એક લાખ કરોડથી વધુની વેચવાલી નોંધાવી છે.

બીજુ મહત્ત્વનું કારણ એ છે કે, ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે. ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.

નવા પરિબળમાં કોર્પોરેટ ક્ષેત્રમા નબળા ત્રિમાસિક પરિણામા આવે છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપનીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓએ નિરૂત્સાહી પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.

અમેરિકાની પ્રેસિડેન્શિયલ ચૂંટણી પણ બજાર પર અસર કરશે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ તો અમુક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની જીત જોવા મળી છે. આ ઉપરાંત ફેડરલ દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની અટકળોના પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. આ વખતે કદાચ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ બજારને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે. ઈરાન અને ઈઝરાયલ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની સેના ટૂંકસમયમાં ગાઝા સીઝ ફાયર ડીલ મુદ્દે ચર્ચા કરે તેવા અહેવાલો મળ્યા છે. જોકે, ઇરાન સાથે ફરી ઘમાસાણ યુદ્ધની સંભાવના પણ ચર્ચામાં છે.

વૈશ્ર્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની નકારાત્મક અસર શેરબજાર પર થઈ છે.

ઊંચા વોલ્યૂમમાં પ્રોફિટ બુકિંગ પમ થઇ રહ્યું છે. સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર પાછલા નવ મહિનાથી સતત વધી રહ્યા છે. વોલ્યૂમ ખૂબ ઊંચા થયા છે. જેના પગલે રોકાણકારો વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરી રહ્યા છે. દિવાળી ટાણે કેટલાક રોકાણકારો પોતાનો જૂનો માલ ખાલી કરી નવો માલ ખરીદવાની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યા છે. માર્કેટના નિયમ મુજબ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જારી તેજી વચ્ચે મોટુ કરેક્શન જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button