સ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન: ૧૦૦ મેડલની નજીક ભારત

હોંગઝોંઉ: એશિયન ગેમ્સમાં ૧૩મા દિવસે ભારતે પુરુષ હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ સહિત કુલ નવ મેડલ જીત્યાં હતાં. આ સાથે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે ૯૫ મેડલ જીત્યાં હતાં જેમાં ૨૨ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૩૯ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ભારતે તીરંદાજીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે તીરંદાજીમાં મેન્સ રિકર્વ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે દક્ષિણ કોરિયાએ ૧-૫થી મેચ જીતી લીધી હતી. આ મેડલ પુરુષોની રિકર્વ તીરંદાજી ટીમ અતનુ દાસ, ધીરજ અને તુષાર શેલ્કેએ જીત્યો હતો.

તે સિવાય ભારતીય ટીમે બ્રિજમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જગ્ગી શિવદાસાની, રાજેશ્ર્વર તિવારી, સંદીપ ઠકરાલ, રાજુ તોલાની, અજય ખરે અને સુમિત મુખર્જીની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતને હોંગકોંગ સામે ૧૨-૧૭થી હારનો સામનો કરવો પડ્યો હતો.

એશિયન ગેમ્સનો ૧૩મો દિવસ કુસ્તી માટે પણ સારો રહ્યો હતો. ભારતની રેસલર સોનમ મલિકે મહિલા કુશ્તીમાં ૬૨ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રેસલર સોનમે ૬૨ કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં બ્રોન્ઝ જીત્યો હતો. સોનમે બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની લોંગ જિયાને ૭-૫થી હરાવી હતી.

તે સિવાય ભારતની મહિલા રેસલર કિરણ બિશ્ર્નોઈએ મહિલા કુસ્તીની ૭૬ કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે મોંગોલિયન કુસ્તીબાજ અરિઉનજર્ગાલ ગાનબતને ૬-૩થી હરાવી હતી.

સોનમ અને કિરણ બાદ ૨૦ વર્ષના અમન સહરાવતે પુરુષ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમન સહરાવતે ૫૭ કિલો ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એમને ચીનના ખેલાડી લિયુ મિંગુને ૧૧-૦થી હરાવ્યો હતો.

ભારતે સેપકટકરા (મહિલા રેગુ)માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની મહિલા રેગુ ટીમે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ જીત્યો હતો. સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમને થાઇલેન્ડ સામે ૨૧-૧૦, ૨૧-૧૩થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણયને મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રણયને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. બ્રોન્ઝ મેડલ જીતીને પ્રણયે ઇતિહાસ રચ્યો હતો. ભારતે ૪૧ વર્ષ બાદ મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રણયને ચીનના લી શિફેંગે ૨૧-૧૬, ૨૧-૯થી હરાવ્યો હતો.
ભારતની મહિલા તીરંદાજી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ભારતે વિયેતનામને ૬-૨થી હરાવ્યું હતું. અંકિતા ભકત, સિમરનજીત કૌર અને ભજન કૌરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું તેણે સેમિફાઇનલમાં નેપાળને ૬૧-૧૭થી હરાવ્યું હતું. ભારતીય ટીમ શનિવારે ફાઈનલ મેચ માટે મેદાનમાં ઊતરશે.

પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની ૬૫ કિગ્રા વજન વર્ગમાં બજરંગ પુનિયા સેમિફાઇનલમાં ઇરાનના કુસ્તીબાજ અમજદ ખલીલી રહમાન સામે હારી ગયો હતો. બજરંગ આ મેચ ૧-૮થી હારી ગયો હતો. જોકે, બજરંગ પુનિયા પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાનો વિકલ્પ છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button