નવી દિલ્હી: મિડ કેપ કંપની સ્કાય ગોલ્ડે દિવાળી પહેલા તેમના રોકાણકારોને મોટી ભેટ આપી છે. કંપનીએ શનિવારે જાહેરાત કરી હતી કે તે તેના શેરધારકોને બોનસ શેર આપશે. કંપનીએ કહ્યું કે તે 9:1ના રેશિયોમાં બોનસ આપશે. સાદી ભાષામાં કહી તો શેરધારકોને દરેક શેર માટે 9 શેર મફતમાં ફાળવવામાં આવશે.
સ્કાય ગોલ્ડ કંપની સોનાના દાગીના ડિઝાઇન અને બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની છે. કંપની તેના ગ્રાહકોની પસંદગી મુજબ વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવી આપે છે. કંપનીએ હજુ સુધી બોનસ ઈશ્યૂ માટે કોઇ ચોક્કસ તારીખની જાહેરાત કરી નથી. પરંતુ તેના નિવેદનમાં ટૂંક સમયમાં જાહેરાત કરવાનું જણાવ્યું હતું.
એક વર્ષમાં 400 ટકાનો નફો:
આ પહેલા પણ સ્કાય ગોલ્ડે વર્ષ 2022માં તેના શેરધારકોને એક ફ્રી શેર આપ્યો હતો. તેણે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. સ્કાય ગોલ્ડના શેરના પર્ફોર્મન્સની વાત કરીએ તો છેલ્લા સપ્તાહમાં તેમાં 8 ટકાનો વધારો થયો છે, જ્યારે એક મહિનામાં તેમાં 38 ટકાનો વધારો થયો છે. 6 મહિનાના સમયગાળામાં, આ શેરે તેના રોકાણકારોને 200 ટકાથી વધુનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. તે જ સમયે, એક વર્ષમાં 400 ટકાથી વધુનો રેકોર્ડ નફો પ્રાપ્ત થયો છે.