બાંદ્રા ઈફેક્ટઃ મુંબઈના આટલા રેલવે સ્ટેશનો પર નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ્સ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ ખાતે પ્રવાસીઓએ ટ્રેન પકડવા માટે કરેલી દોડાદોડીને કારણે મોટી હોનારતનું નિર્માણ થયું. નવેક પ્રવાસીઓને ઈજા પહોંચાવના સમાચાર સાથે ગુજરાતના ઉધના ખાતે પ્રવાસીઓનો ધસારો જોઈને પ્રશાસને વિશેષ ટ્રેનોની જાહેરાત કર્યા પછી મુંબઈમાં મધ્ય રેલવેએ મુંબઈ ડિવિઝનના મહત્ત્વના અમુક રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું બંધ કરવાની જાહેરાત કરી.
પ્રવાસીઓની ભીડને નિયંત્રણમાં રાખવા માટે મુંબઈ ડિવિઝનના છ અને મહારાષ્ટ્રના અન્ય મહત્ત્વના ટર્મિનસ સ્ટેશને પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું હંગામી ધોરણે બંધ રાખવાની જાહેરાત કરી છે. મુંબઈ ડિવિઝનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ, થાણે, કલ્યાણ અને પુણે ડિવિઝનમાં પુણે સહિત નાગપુરમાં પ્લેટફોર્મની ટિકિટ વેચવા માટે હંગામી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આપણ વાંચો: એલર્ટઃ બાંદ્રા, ઉધના પછી પાટનગર દિલ્હીમાં રેલવે પ્રશાસન બન્યું સતર્ક, વિશેષ વ્યવસ્થા કરી
રેલવે સ્ટેશનના પરિસરમાં બિનજરુરી લોકોના ધસારાને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી અને છઠ્ઠ પૂજાને કારણે પ્લેટફોર્મની ટિકિટનું વેચાણ આઠમી નવેમ્બર સુધી હંગામી ધોરણે બંધ રહેશે. જોકે, ઈમર્જન્સીના કિસ્સાની સાથે સિનિયર સિટીઝનને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. તહેવારોના દિવસોમાં યોગ્ય પ્લાનિંગ પ્રમાણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો રેલવે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.