નેશનલ

પશ્ચિમ બંગાળમાં શાંતિ માટે ઘૂસણખોરી પર લગામ અનિવાર્યઃ અમિત શાહના આકરા તેવર

નવી દિલ્હી: બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીના પ્રશ્નને લઈને ખૂબ વિવાદ થતાં રહે છે, ત્યારે કેંદ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) આ મુદ્દે કડકાઇ દાખવવા કહ્યું છે, તેમણે કહ્યું કે જ્યારે ઘૂસણખોરી પર રોક આવશે ત્યારે જ પશ્ચિમ બંગાળમાં શાંતિ સ્થપાશે. તેમણે દાવો કર્યો હતો કે જો 2026 માં જો ભાજપની સરકાર બનશે તો ગેરકાયદેસર ઘૂસણખોરી પર નિયંત્રણ લાવવામાં આવશે. 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળમાં પેટ્રાપોલ લેન્ડ પોર્ટ ખાતે પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને મૈત્રી ગેટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી.  આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ભ્રષ્ટાચારના મુદ્દાની ટીકા કરતાં તેમણે 2026 માં લોકોને રાજકીય પરિવર્તનની હાકલ કરી હતી. 

આ સમયે તેમણે બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને મુદ્દે નિવેદન કરતાં કહ્યું હતું કે “પશ્ચિમ બંગાળમાં ત્યારે જ શાંતિ સ્થપાઈ શકે છે જ્યારે બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ જાય, લેન્ડ પોર્ટની મહત્વની ભૂમિકા હોય છે અને જ્યારે સરહદો પર કાયદાકીય રીતે અવરજવરની સુવિધા નથી હોતી ત્યારે લોકો ગેરકાયદેસર રીતે ઘૂસતા હોય છે અને જે દેશની શાંતિનો ભંગ કરે છે.”

બંગાળની જનતાને મારી વિનંતી: અમિત શાહ

આ સમયે અમિત શાહે ટીએમસી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે “ભ્રષ્ટાચાર અને કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલી સ્થિતિ રાજ્યની શાંતિ અને વિકાસને અવરોધે છે. તેમણે વધુમાં કહ્યું કે, “હું બંગાળના લોકોને 2026માં રાજકીય પરિવર્તન લાવવા અને ભાજપને સત્તામાં લાવીને રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનો પાયો નાખવાની વિનંતી કરું છું. ભાજપ સરકાર બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને સંપૂર્ણપણે બંધ કરશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button