રિઝર્વ બૅન્કે રિપો રેટ યથાવત્ રાખતાં સેન્સેક્સમાં ૩૬૪ પૉઈન્ટની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકનાં અંતે રિપો રેટ યથાવત્ રાખતા આજે ખાસ કરીને વ્યાજ સંવેદનશીલ ફાઈનાન્સ, રિયલ્ટી અને ઑટો ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની નીકળેલી લેવાલી ઉપરાંત યુરોપ તથા એશિયન બજારોમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૬૪.૦૬ પૉઈન્ટની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૦૭.૭૫ પૉઈન્ટની આગેકૂચ જોવા મળી હતી. તેમ જ સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૦.૨૫ ટકાનો અથવા તો ૧૬૭.૨૨ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૦.૦૭ ટકા અથવા તો ૧૫.૨ પૉઈન્ટનો સુધારો નોંધાયો છે. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી ધીમી પડતાં ૯૦.૨૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૮૩.૨૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સ્ચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૫,૬૩૧.૫૭ના બંધ સામે સુધારાના ટોને ૬૫,૮૬૭.૫૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૫,૭૬૨.૩૩ અને ઉપરમાં ૬૬,૦૯૫.૮૧ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૫ ટકા અથવા તો ૩૬૪.૦૬ પૉઈન્ટના સુધારા સાથે ૬૫,૯૯૫.૬૩ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૯,૫૪૫.૭૫ના બંધ સામે ૧૯,૬૨૧.૨૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૯,૫૮૯.૪૦થી ૧૯,૬૭૫.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૫ ટકા અથવા તો ૧૦૭.૭૫ પૉઈન્ટના સુધારા સાથે ૧૯,૬૫૩.૫૦ના મથાળે બંધ રહ્યો હતો.
ફુગાવાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે રિઝર્વ બૅન્કની છ સભ્યોની મૉનૅટરી પૉલિસી કમિટીએ નાણાનીતિની સમીક્ષાના અંતે વાસ્તવિક અભિગમ અપનાવતા રિપર્ચેઝ રેટ ૬.૫૦ ટકાના સ્તરે જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. તેમ જ ફુગાવાની ચિંતાને અનુલક્ષીને બૉન્ડના વેચાણ મારફતે પ્રવાહિતા તંગ રાખવાના સંકેત આપ્યા હતા. આમ વ્યાજદર યથાવત્ રાખવાનો રિઝર્વ બૅન્કનો નિર્ણય અને ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડાને બજારે ટેકો આપ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં રિઝર્વ બૅન્કના નિર્ણયને પગલે ખાસ કરીને તહેવારોની મોસમમાં ગૃહ વેચાણમાં વધારો થવાના આશાવાદને કારણે રિયલ્ટી ક્ષેત્રના શેરો ઝળક્યા હોવાનું કોટક સિક્યોરિટીઝનાં ટેક્નિકલ રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટે જણાવ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૩ શૅરના ભાવ વધીને અને સાત શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૯ શૅરના ભાવ વધીને, ૧૦ શૅરના ભાવ ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. જોકે, સેન્સેક્સ હેઠળના શૅરોમાં સૌથી વધુ ૫.૮૬ ટકાનો ઉછાળો બજાજ ફિનસર્વમાં જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય વધનાર શૅરોમાં બજાજ ફાઈનાન્સમાં ૪.૦૫ ટકાનો, ટિટાનમાં ૨.૯૮ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૩૮ ટકાનો, આઈટીસીમાં ૧.૪૨ ટકાનો અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૨૬ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય આજે દેશની અગ્રણી આઈટી કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસે આગામી ૧૧ ઑક્ટોબરના રોજ યોજાનારી બોર્ડની બેઠકમાં બાયબૅક અંગે પણ વિચારણા કરવામાં આવશે એવું જણાવતા શૅરના ભાવમાં ૦.૮૭ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય ઘટનાર શૅરોમાં હિન્દુસ્તાન યુનીલિવરમાં ૦.૯૩ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૩૭ ટકાનો, ભારતી એરટેલમાં ૦.૨૯ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૦.૨૬ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૧૩ ટકાનો અને એચડીએફસી બૅન્કમાં ૦.૧૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૬ ટકા અને ૦.૫૬ ટકાના સુધારા સાથે બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૩૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડાઈસીસ વધીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્યત્વે રિયલ્ટી ઈન્ડેક્સમાં ૩.૦૧ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૧.૪૭ ટકાનો, ઈન્ફ્રા ઈન્ડેક્સમાં ૦.૮૭ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૭૧ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૫૫ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૪૯ ટકાનો સુધારો આવ્યો હતો.
આજે મોડી સાંજે અમેરિકાના રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં રોજગારીમાં ઉમેરો જે ૧,૮૭,૦૦૦નો હતો તેની સામે સપ્ટેમ્બરમાં ઘટીને ૧,૬૩,૦૦૦ આસપાસ રહે તેવી ધારણા હેઠળ આજે વૈશ્ર્વિક બજારમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જેમાં એશિયાના બજારોમાં સિઉલ અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહી હતી અને ટોકિયોની બજારમાં નરમાઈનું વલણ હતું. આ સિવાય યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારો દર્શાવાઈ રહ્યો હતો.