હવે લખનઊની હોટેલોને મળી બૉમ્બની ધમકી
દેશની એરલાઇન્સોને બૉમ્બની ધમકી મળ્યાનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લેતો અને હવે હોટેલોને બૉમ્બથી ઉડાવાની ધમકી મળવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. હવે લખનઊમાં કેટલીક મોટી પંચતારક હોટેલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હોટેલોને બૉમ્બથી ઉડાવવાની આ ધમકી ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરની કાળી બેગમાં બૉમ્બ રાખવામાં આવ્યો છે, એમ ઇ-મેઇલમાં લખવામાં આવ્યું છે. આ ધમકી લખનઊની હોટેલ ફોર્ચ્યુન, હોટેલ લેમન ટ્રી, હોટેલ મેરિયોટ સહિત 10 મોટી હોટેલોને આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ 55 હજાર ડોલરની માંગણી કરી છે.
છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં ફ્લાઇટ્સ , સ્કૂલ-કૉલેજ અને હોટેલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી રહી છે. આજે પણ અકાસા એરલાઇન્સની ફ્લાઇટને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જોકે, અકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર માત્ર અફવા સાબિત થયા. જે ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી તે બેંગલુરુથી અયોધ્યા આવી હતી. ફ્લાઇટમાં કુલ 173 મુસાફરો હતા. પાયલટે અગમચેતી વાપરીને ફ્લાઇટમાં સવાર મુસાફરોને ફલાઇટમાં બૉમ્બ વિશે માહિતી આપી જ નહોતી. મુસાફરોની સુરક્ષા માટે જ પાયલટે આ કદમ ઉઠાવ્યું હતું. ત્યાર બાદ આકાસા એરલાઈન્સની ફ્લાઈટ મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી અને મુસાફરો પણ સુરક્ષીત રીતે એરપોર્ટની બહાર નીકળી ગયા હતા.