ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

આ ચોપડા પૂજને બ્રાન્ડનો સાથિયો કરજો…!



બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

જ્યારે જ્યારે આ પ્રશ્ર્ન કોઈપણ વેપારીને પૂછવામાં આવે કે ‘તમે બ્રાન્ડ બનાવવામાં માનો છો?’ ત્યારે આપણને આવા જવાબ મળશે, જેમકે... શું બ્રાન્ડ બનાવવાથી મારું સેલ્સ વધશે? બ્રાન્ડ એટલે ખોટો ખર્ચો અને એવા ખર્ચા ના કરાય. માલ વેચાઈ રહ્યો છે, ધંધો વધી રહ્યો છે તો પછી બ્રાન્ડ બનાવવાની શી જરૂર છે?

આવા પણ જવાબ મળે.. આટલાં વર્ષોથી હું સફળતાથી ધંધો કરી રહ્યો છું અને ધંધો વધાર્યો પણ છે તે પણ બ્રાન્ડ બનાવ્યા વગર...! ઘણીવાર તો સેલ્સ અને બિઝનેસ ડેવલપમેંટને માર્કેટિંગનું નામ આપી કહેશે કે અમે તો માર્કેટિંગ કરીએ છીએ. ટેક્નિકલી માર્કેટિંગ અને સેલ્સમાં ફરક છે તે સમજવાની જરૂર છે...

આવા બધાં કારણો આપણી માનસિકતા છતી કરે છે અને સૌથી મોટો અવરોધ છે બ્રાન્ડ ન બનાવવા પાછળનો અને તેની આવશ્યકતા ન સમજવાનો. એમ પણ નથી કે બધાજ વેપારીઓ આ વિચારધારા અપનાવે છે. અમુક વેપારીઓ અને ખાસ કરીને નવી પેઢી બ્રાન્ડ બનાવવાનું મહત્ત્વ સમજે છે. આ દિશામાં પ્રયત્નો કરી રહી છે તે એક હકારાત્મક અભિગમ બતાવે છે.

આમ છતાં ઉપરોકત બધા જ જવાબો ખોટા છે તેમ નહીં કહું, કારણ કે તે એમનો અનુભવ છે, પણ આની સામે મારે બે પ્રશ્ર્ન પુછવા છે : એક, જે રીતે તમે આજ સુધી ધંધો ચલાવ્યો તે રીતે આગળ ચલાવી શકશો? ધંધો કરવાની પદ્ધતિઓ બદલાઈ રહી છે, ક્ધઝ્યુમર બદલાઈ રહ્યો છે ત્યારે તમને તમારા જૂના સ્વરૂપમાં કસ્ટમર અપનાવશે?

બીજો પ્રશ્ર્ન; શું તમારી આવનારી પેઢી તમારા ધંધામાં જોડાશે જો તમે આજ રીતે ધંધો કરશો તો? અથવા ધંધામાં જોડાઈ ગયા છે તો એ ખુશ છે? જો તમારો જવાબ હશે કે અમારો ધંધો પ્રોફિટેબલ છે, પૈસા છે તો આવનારી પેઢી જરૂર આવશે....

ના, આ તમારી ભૂલ છે અને તમે નવી જનરેશનને સમજી નથી શક્યા. જેમ નવી જનરેશનને બ્રાન્ડ વાપરવી ગમે છે તેમ એમને ધંધો પણ બ્રાન્ડનો કરવો છે- પોતાની એક બ્રાન્ડ છે અથવા પોતે એક બ્રાન્ડ બનાવી છે તેવી રીતે તે ઓળખાય તેમાં એમને રસ છે. આજનો સમય લોકો માટે ભરપૂર તકો લઈને આવ્યો છે. નવી આઇડિયાસને આજે કિંમત છે, નવી સિસ્ટમ્સ, પ્રોસેસિસ, નવા પ્રોડક્ટ્સ, સર્વિસિસ સમાજને આપવા લોકો તત્પર છે. મોનોપોલી લુપ્ત થઈ રહી છે. ટેકનોલોજી પણ કોપી થઈ જાય છે. ડિજિટલ ઈ-કોમ પ્લેટફોર્મ તમને તમારો માલ દુનિયાને વેચવા પ્રેરિત કરે છે.

આજે ઓપન માર્કેટનો જમાનો છે અને તેમાં આપણે હરેક કેટેગરી, સેક્ટરમાં એકથી વધારે કંપનીઓ જોઈએ છીએ, એમ કહો કે મલ્ટિપલ પ્લેયર્સ માર્કેટમાં રમી રહ્યા છે, લડી રહ્યા છે પોતાના માર્કેટ શેર માટે. આથી એક તંદુરસ્ત સ્પર્ધા જોવા મળે છે. આજ માર્કેટમાં તમારા પ્રતિસ્પર્ધીઓ પણ તે જ વસ્તુ કરે છે જે તમે કરો છો તો તમારે અલગ શું કરવું?

આવા સમયે બ્રાન્ડ પોતાનો ભાગ ભજવે છે. આજની તારીખે આ શબ્દ નવો નથી, કારણ લોકોને પ્રોડક્ટ નહીં, બ્રાન્ડ જોઇએ છે. તમારે પોતાની ઇમેજ અને તમારા પ્રોડક્ટની અલગતા, યુનિકનેસ કસ્ટમરને સમજાવવી પડશે. તે યુનિકનેસ કે અલગતા નામની હોઈ શકે, રૂપ-રંગ થકી હોઈ શકે, પેકેજિંગ દ્વારા દર્શાવી શકો અને સૌથી અગત્યનું તેનું પોઝિશનિંગ જે કસ્ટમરના દિલો દિમાગમાં સ્થાયી થશે. જ્યારે બે પ્રોડક્ટ વચ્ચે આ ડિફરન્શિયેશન એટલે કે તફાવત - વિભિન્નતા ઊભી થાય છે ત્યારે તે બ્રાન્ડ તરીકે સ્થાપિત થવાની શરૂઆત કરે છે.

આજની તારીખે જો તમે બ્રાન્ડ નહીં બનાવો તો કોમોડિટી બનીને રહેશો. બ્રાન્ડ બનાવવી એક પ્રોસેસ છે જે તમને તમારી આઇડેંટિટી સાથે સાથે સમય જતા સેલ્સ વધારવામાં પણ સહાય કરશે. આજે લોકો માટે કોઈ પણ વ્યક્તિ કે બ્રાન્ડ માટે પોતાનો મત બાંધવો ઘણું સરળ છે. જરૂરી છે કે લોકો અથવા તમારો પ્રતિસ્પર્ધી તમારી બ્રાન્ડ વિષે પર્સેપશન -ધારણાં બનાવે તેની પહેલા તમે તમારી બ્રાન્ડનું પર્સેપશન બનાવી લોકો સમક્ષ રજૂ કરો. બ્રાન્ડ બનાવશો તો ફોકસ આવશે, કસ્ટમર ડિફાઇન થશે, તમારે શું વેચવું છે તે નહીં પણ કસ્ટમર માટે તેમાં શું છે તેની વાત તમે કરતા થશો. કસ્ટમરલક્ષી અભિગમ આવશે.

બીજી તરફ, બ્રાન્ડ જેટલી લોભામણી લાગે છે તેટલી બનાવવી સહેલી નથી. તે તેટલું આસાન નથી જેટલી આસાનીથી આપણે બોલી જઇએ છીએ. બ્રાન્ડ બનાવવા માટે મૂડીના રોકાણ કરતાં વધારે ધીરજનું અને સમયનું રોકાણ જરૂરી છે. બ્રાન્ડબનાવવા ધીરજ રાખવી પડે છે. બ્રાન્ડની સરખામણી વટવૃક્ષ સાથે થઈ શકે ના કે નાના છોડવા સાથે. જેવી રીતે વટવૃક્ષ બનાવવા તેની અમુક રીતે કાળજી લેવી પડે છે એ જ રીતે બ્રાન્ડને સ્થાપિત કરવા પણ વિશેષ કાળજી લેવી પડે છે. જેમ વટવૃક્ષ ધીરે ધીરે ફળ આપે અને એક્વાર પૂર્ણ રૂપ ધારણ કરે પછી વર્ષોના વર્ષો જે છાંયડો લોકોને પ્રાપ્ત થાય તેવો જ છાંયડો અને ફળો એક બ્રાન્ડ સ્થાપિત થાય પછી અનુભવી શકાય છે.

આથી આ દિવાળીએ ચોપડા પૂજનમાં બ્રાન્ડબનાવવાનો સંકલ્પ કરજો જેથી આવનારા વર્ષે ચોપડામાં ફક્ત નફો અને નફો જદેખાય...!

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker