પાણીના બૉક્સ બન્યા કોહલીના ક્રોધનો શિકાર! જુઓ, કેવી રીતે…
પુણે: શનિવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે સારો નહોતો. ન્યૂ ઝીલેન્ડને એ દિવસે બંને દેશ વચ્ચેના 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવા મળી. ટીમ ઇન્ડિયાને હારથી બચાવવા વિરાટ કોહલી પર સૌથી વધુ મદાર હતો, પરંતુ તે ફરી એકવાર સસ્તામાં આઉટ થઈ ગયો. પોતાની સાથેની ગેરસમજમાં રિષભ પંતે ઝીરો પર રનઆઉટમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ ખુદ કોહલી 17 રન બનાવીને આઉટ થયો હતો અને પાછા આવતી વખતે પોતાના પર જ ગુસ્સે થયો હતો.
કોહલી પ્રથમ દાવમાં ફક્ત એક રને સ્પિનર મિચલ સેન્ટનરના ફુલ-ટૉસમાં ક્લીન બોલ્ડ થયો હતો. શનિવારે બીજા દાવમાં સેન્ટનરનો જ બૉલ નીચો રહી જતા તે એલબીડબ્લ્યૂ થયો હતો. ફરી એકવાર સ્પિનરનો શિકાર થઈ ગયા બાદ કોહલી ડ્રેસિંગ રૂમમાં પાછો આવી રહ્યો હતો ત્યારે પોતાના પર જ ખૂબ ગુસ્સે હતો. ડ્રેસિંગ રૂમમાં ઉપર આવતાં પહેલાં નીચે જમણી તરફ પડેલા પાણીના બોક્સ પર તેણે ગુસ્સામાં બેટ ફટકાર્યું હતું. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
જૂન મહિનામાં કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં હાફ સેન્ચુરીથી ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો, પરંતુ ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં તે સારું નથી રમી શક્યો.
આ પણ વાંચો…..પુણેમાં પહેલા દિવસે પડી 11 વિકેટ, બીજા દિવસે 14 અને ત્રીજા દિવસે 15…ખેલ ખતમ
ભારતે શનિવારે ન્યૂ ઝીલેન્ડ સામે જીતવા માટે 359 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો અને એ માટે એકાદ-બે મોટી ભાગીદારીની જરૂર હતી. જોકે એ જ સમયે કોહલી વિકેટ ગુમાવી બેઠો હોવાથી પોતાના પર ક્રોધિત હતો.
કેપ્ટન રોહિત શર્મા પણ આ સિરીઝમાં ફ્લૉપ છે અને કોહલી તેમ જ રોહિતની ટેસ્ટ કરિયર સામે હવે પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે.
શનિવારે ન્યૂ ઝીલેન્ડ સામે ભારતનો 113 રનથી પરાજય થયો હતો. આ સિરીઝમાં ભારતીય સ્પિનર્સે અફલાતૂન પર્ફોર્મ કર્યું છે, પરંતુ એકંદરે બૅટર્સ નિષ્ફળ રહ્યા હોવાથી ભારતે સિરીઝની ટ્રોફી ગુમાવવી પડી છે.