ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ગામ પોતે પ્રકાશમાન થયું ને રાજ્યને વીજળી વેચે છે

હેં… ખરેખર?! -પ્રફુલ શાહ

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આવા ઉજળા દિવસોમાં એક એવા અનોખા ગામની વાત માંડવી છે કે જે સ્વયં પ્રકાશિત છે અને અન્યોને પ્રકાશિત કરે છે.

ભારતના આ ખરા અર્થમાં સ્માર્ટ વિલેજનું નામ છે ઓડુનથરાઈ. પિનકોડ ૬૪૧૩૦૫. તામિલનાડુના કોઇમ્બતુર જિલ્લામાં આવેલા આ ગામનું અનુકરણ અન્ય ગામ કરવા માંડે તો પાવર કટ શબ્દ જ ભૂલાઈ જાય હો. અહીંની સમૃદ્ધિ અને સગવડો ઘણાં શહેરોને ભૂ પાઈ દે એવી છે.

અલબત્ત, બે-અઢી દાયકા અગાઉ ઓડુનથરાઈની સિકલ, સ્થિતિ અને સંજોગો એકદમ વિપરીત હતા. દેશના અન્ય ગામ જેવો જ સીનારિયો હતો. સુવિધાને નામે લગભગ મીંડું હતું. પીવાના પાણી, રેશન માટે ટળવળવું પડતું હતું. કાચા મકાન કે ઝૂંપડીમાં ૧૬૦૦ની વસતિ માંડમાંડ દિવસો વીતાવતી હતી. વીજળીનું તો સપનું ય નહોતું આવતું કોઈને. દાયકાઓથી દારૂણ સ્થિતિમાં ગામવાળા જીવનનું ગાડું જેમતેમ ગબડાવ્યે જતા હતા.

એક વ્યક્તિની કર્મઠતા અને દૂરંદેશીને પ્રતાપે ગામમાં સુખનો સૂરજ દેખાવા માંડ્યો. એમનું નામ આર. ષણમુગમ. ૧૯૯૬માં તેઓ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગ્રામ પંચાયત સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે પંચાયતના ભંડોળમાંથી ગામમાં પાકા મકાન બાંધવા જોઈએ. આને પગલે ગામમાંથી કાચા ઘર અને ઝૂંપડાં હટાવીને પાયાની સુવિધા સાથેના ઘર બંધાવા માંડ્યા. ફળસ્વરૂપે ગામ છોડી ગયેલા લોકો પણ પાછા આવવા માંડ્યા. જોતજોતમાં વસતિ ૧૬૦૦ થી વધીને દશ હજાર સુધી પહોંચી ગઈ. પછી તો પ્રાથમિક શાળા પણ બંધાઈ જેમાં બાળકો ભણવા સાથે ખેલકૂદમાં ય કૌશલ્ય દાખવવા માંડ્યા.

વિકાસ સાવ મફતમાં તો ન જ થાય. એક સમયે ગ્રામ પંચાયતનું વીજળીનું બિલ રૂ. બે હજાર આવતું હતું, પરંતુ પછી શેરીમાં લાઈટ લગાવાઈ અને કૂવા ખોદાવાયા તો બિલની રકમ વધીને ૫૦ હજારને આંબી ગઈ. આ ચિંતાનો વિષય પણ માત્ર માથે હાથ મૂકીને બેસીને ફિકર કરવાથી થોડું કંઈ થાય? એનો ઉકેલ વિચારાયો અને બાયોગેસ પ્લાંટમાંથી વીજ ઉત્પાદનની શક્યતા ગમી ગઈ. પણ એની ટેકનિક ક્યાંથી લાવવી? કોણ શીખે?

ષણમુગમની સાતત્યસભર સક્રિયતાને પરિણામે ગામમાં ૨૦૦૩માં પહેલો બાયોગેસ પ્લાંટ શરૂ થયો. આથી વીજળીનું બિલ ૫૦ ટકા ઘટી ગયું. આટલાથી સંતોષ માનીને પલાંઠી વાળીને બેસી રહેવાને બદલે ષણમુગમ સતત વાચતા, વિચારતા અને
જોતા રહ્યા.

૨૦૦૬માં તેમને પવનચક્કી લગાવવાનો વિચાર આવ્યો. પણ આ પ્રોજેક્ટ ખર્ચાળ હતો. પંચાયત પાસે માંડ ૪૦ લાખની રકમ હતી ને પવનચક્કી ટર્બાઇનના થાય રૂ. ૧.૫૫ કરોડ! પરંતુ હતાશ થવાને બદલે ષણમુગમે રસ્તો શોધી કાઢયો. પંચાયતના નામે સ્થાનિક બૅંકમાંથી લોન લીધી. એ રકમમાંથી ઓડુનથરાઈથી ૧૧૦ કિ.મી.ના અંતેર ૩૫૦ કિલોવોટની પવનચક્કી લગાવડાવી. આ એક પહેલથી ગામ વીજળીની બાબતમાં સંપૂર્ણપણે આત્મ-નિર્ભર બની ગયું. હવે પંચાયતનું જ નહીં, આખા ગામના માથેથી વીજળીના બિલની આફત ટળી ગઈ.

પરંતુ આ તો માત્ર ઓડુનથરાઈની મુશ્કેલી ટળી. પંચાયત હેઠળના અન્ય દશ ગામના લોકોને તો હજી વીજળી માટે રાજ્ય પર જ આધાર રાખવો પડવો હતો. ષણમુગમે સંતોષ
માનવાને બદલે આ દિશામાં ય કંઇક કરવાનું મનોમન ગાંઠ વાળી
લીધી.

હવે તેમણે સૌર ઊર્જા તરફ નજર દોડાવી. તેમણે બનાવેલા ૮૫૦ ગ્રીન હાઉસ (રાજ્યમાં સૌથી વધુ આવા ઘર બનાવનારું ગામ)ના છાપરા પર સોલાર પેનલ બેસાડાવી દીધી. દિવસે એક-એક ઘરમાં વપરાતી વીજળી સૌર ઊર્જામાંથી આવતી હતી. આને લીધે પવનચક્કીમાંથી બનતી વીજળીનો ઉપયોગ માત્ર રાતે જ થવા માંડ્યો. રાતે કેટલી વીજળી વપરાય?

સરવાળે ઓડુનથરાઈ પાસે વીજળીની પુરાંત-બચત થવા માંડી.

ષણમુગમે તમિલનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડને ત્રણ રૂપિયા યુનિટના ભાવે વીજળી વેચવાનું શરૂ કર્યું. મહિને લગભગ અઢી લાખ યુનિટ વીજળી વેચાતા આવક થવા માંડી. આ આવકમાંથી બૅંકની લોન પણ ફટાફટ ચુકવાઈ ગઈ.

Also Read – કોના છક્કા છૂટી ગયા….?!

વર્ષે દહાડે પંચાયતને વીજળીના વેચાણમાં રૂ. ૧૯/૨૦ લાખની આવક થવા માંડી. આમાંથી ૧૧ ગામમાં વિકાસ કાર્ય હાથ ધરાવા માંડ્યા. આ અનોખી સફળતા અને સિદ્ધિને પ્રતાપે ઓડુનથરાઈ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું. પંચાયત રાજના આ આદર્શ મોડલને નિહાળવા માટે વિશ્ર્વ બૅંકના પ્રમુખ સહિતના મહાનુભાવો આવવા માંડ્યા.

… એન્ટી-ક્લાઈમેક્સ એ છે કે ગામને આદર્શ બનાવનારા આર. ષણમુગમ ૨૦૧૬માં ચૂંટણી હારી ગયા!

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker