ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૧

‘પીઆર લોકોને ફેમસ કરે, પોપ્યુલર નહીં. પ્રખ્યાત થવું અને લોકપ્રિય થવું એ બે વચ્ચે બહુ ફરક છે, અભિ.’ અકબર પીઆરે કહ્યું.

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ

એક્ટર્સ અડ્ડાના નાનકડા થિયેટરમાં ચૌબેજીના નવા નાટકને જોવા શહેરના નાટ્યપ્રેમીઓની સાથે નાટ્ય અને ફિલ્મજગતના વિખ્યાત, પ્રખ્યાત, લોકપ્રિય લોકો ઊમટ્યા હતા. અભિનો એક્સપેરિમેન્ટલ થિયેટરમાં પરફોર્મ કરવાનો પહેલો અનુભવ હતો. ભોપાલ અને અન્ય શહેરોમાં એણે માત્ર પડદાવાળા મંચ પર અભિનય કર્યો હતો. પ્રેક્ષકો પોતાને આટલી નિકટતાથી જોશે એવો વિચાર એને જરા નર્વસ કરી ગયો હતો. એ ગ્રીનરૂમના એક ખૂણામાં જઇને બેસી ગયો.

‘ઓલ ધ બેસ્ટ.’ સીમાનો અવાજ કાને પડતા
એની ઉદાસી ઊડી ગઇ… એના મોં પર ખુશી છવાઇ
ગઇ.

‘થેન્ક યુ.’ એ ઊભો થઇ ગયો. આગલે દિવસે એણે જ્યારે સીમાને નાટકના શોની વાત કરી ત્યારે એણે હાજર નહીં રહે એવું કહ્યું હતું.
‘અભિ, મને ચંદનની ચિંતા થાય છે, મારું મન નાટકમાં નહીં લાગે, હું નહીં આવું.’
‘તું મારું નાટક જોવા માગતી હતી અને એ રોમાંચક ઘડી આવી ત્યારે તું ના કહે એ કેમ ચાલે.?’
‘નહીં અભિ. મારી રાહ નહીં જોતો. મારી શુભેચ્છા તારી સાથે છે જ ને.’
‘હું રાહ જોઇશ સીમા.’ અભિએ એને પાસ આપતા કહેલું.

‘મને મનમાં થયા કરતું હતું કે તું આવીશ….જરૂર આવીશ.’ અભિએ સીમાના બંને હાથ પકડી લીધા. મેકઅપ કરાવી રહેલી શીલા અરીસામાંથી બંનેને જોઇ રહી હતી. પહેલી ઘંટડી વાગી. અભિ સીમાને બેસાડવા બહાર નીકળ્યો કે તરત જ સામે પ્રિયાં મળી.

‘ઓલ ધ બેસ્ટ અભિ’ પ્રિયાએ અભિને ભેટતાં
કહ્યું.

‘થેન્ક યુ.’ કહીને એણે સીમાની ઓળખાણ
કરાવી.

‘આ છે સીમા. હું જેમની રૂમમાં રહું છું એ અને આ પ્રિયા છે જેની સાથે હું કામ કરું છું.’ સીમા અને પ્રિયાની આંખો મળી.

‘ઓહ વાઉં….તમે કેટલાં સિમ્પલ ને છતાં કે કેટલાં એલિગન્ટ લાગો છો.’
‘લાઇક સ્મિતા પાટીલ.’ પ્રિયાના મોમાંથી નીકળેલા શબ્દોથી સીમાના ચહેરા પર આછું સ્મિત ફરક્યું. એણે થેન્ક યુ કહ્યું.

‘એક્સક્યુઝ મિ. હું પિન્ટો સરને મળી લઉં’ કહીને પ્રિયા ગઇ.

‘અભિ, આ છોકરી દિલની સાફ છે…એની આંખોમાં ખુદ્દારી છે. મેં એની આંખોમાં જોઇ લીધું.’
સીમા અભિ માટે છોકરી શોધી કાઢી હોય એમ બોલી. અભિ હસ્યો. સીમાએ પ્રિયાની આંખોમાં જે જોયું એ ખોટું તો ન હતું. આમેય આંખો કયાં ક્યારેય ખોટું બોલે છે.

ચાલ, હું અંદર જાઉં. ચૌબે સર મને બહાર જોશે તો ધૂળ કાઢી નાખશે.’ અભિ વાત ઉડાવીને અંદર ગયો. પ્રિયા દોડતી આવી. આપણે સાથે જ બેસીશું. કહીને એ સીમાનો હાથ પકડીને એને અંદર લઇ ગઇ.


શો પૂરો થયો. લોકો ખુશખુશાલ ચહેરે બહાર નીકળેલા લોકો ચૌબેજીને ઘેરી વળ્યા હતા. નાટકોના ચાહકો ચૌબેજીના આ નાટક પર આફરીન હતા. બીજી બાજુ કેટલાક લોકો અભિને અભિનંદન આપવા એને શોધી રહ્યા હતા ને અભિ સીમાને શોધી રહ્યો હતો.

‘યે ધરતી કો સર પે લે લુંગા…યે આસમાન પૈરો તલે રખ દુંગા….
મૈં ખડા હું વહાં…મૈં ખડા હું વહાં…એક અલગ જહાં બનાઉંગા
તૂ ચાહે લાખ કોશિશ કર ડૂબાને કી….તૂ ચાહે લાખ કોશિશ કર ડૂબાને કી…મૈં કશ્તી કો કિનારે લગા
દુંગા….

તૂ દુનિયા કો નચા અપની ઉંગલિંયો પે…..તૂ દુનિયા કો નચા અપની ઉંગલિંયો પે..તુઝે મૈં અપની ઉંગલિંયો પે નચાઉંગા….
યે ધરતી કો સર પે લે લુંગા…યે આસમાન પૈરો તલે રખ દુંગા’
અભિ જ્યારે પોતાની આગવી છટાથી સીમાની સામે જોઇને આ લાઇનો બોલ્યો ત્યારે અન્ય લોકોની સાથે પ્રિયા તાળીઓ પાડી હતી. સીમા એકેક શબ્દોને માણી-સમજી રહી હતી. પ્રિયાને અભિમાં છલકતો આત્મવિશ્ર્વાસ
દેખાતો હતો. આખરે તો બંને સ્ત્રીઓ અભિનો આધારસ્તંભ હતી.

નવા કલાકાર તરીકેની અભિની ઓળખે ફિલ્મલાઇનના કેટલાક નિર્માતા-દિગ્દર્શકોને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા. ધીમે ધીમે બહાર નીકળી રહેલા પ્રેક્ષકો અભિ, શીલા અને ચૌબેજીને અભિનંદન આપતા હતા ત્યારે એક જણે અભિની પાસે જઇને પોતાનું કાર્ડ આપતા કહ્યું.

‘મુઝે ફુરસદ સે મિલના.’ અભિ કાંઇ કહે તે પહેલાં એ માણસ નીકળી ગયો. સીમાને શોધી રહેલા અભિએ
માણસનો ચહેરો જોયા વિના કાર્ડ ખિસ્સામાં મૂક્યું.

સામે આવીને ઊભી રહી ગયેલી પ્રિયાએ એને ભેટતા
કહ્યું:
‘વાહ રે મારા સ્ટ્રગલર. તું અચ્છી એક્ટિંગ-બેક્ટિંગ કર લેતા હૈ.’ સીમા આવી. એણે હાથ મિલાવીને અભિનંદન આપ્યા ને હું નીકળું છું કહ્યું.
‘આપણે સાથે જઇને.’ અભિ બોલ્યો.

‘ઓહ યસ તમને ઘર સુધીનો સાથ છે. આપણે કાલે મળીએ.’ પ્રિયાએ કહ્યું. એટલામાં પિન્ટો, અશોક ટંડન, અકબર પીઆર આવી પહોંચ્યા.
‘કોન્ગ્રેચ્યુલેશન્સ.’ પિન્ટોનો ભારે અવાજ આવ્યો.

‘મેં અને ચૌબેજીએ ઇસ હીરો કો સબ સે પહેલે ઢૂંઢ નિકાલા હૈ.’ ટંડન બોલ્યો.

અભિ, હું તારું પીઆર નહીં કરું.’ અકબર બોલ્યો ને બધા એની સામે આશ્ર્ચર્યથી જોતા રહી ગયા.

‘કારણ કે…..પીઆર લોકોને ફેમસ કરે, પોપ્યુલર નહીં. પ્રખ્યાત થવું અને લોકપ્રિય થવું એ બે વચ્ચે બહુ ફરક છે. અભિ, તુમ અપને કામ સે પોપ્યુલર બનોગે.’ અકબર પીઆરે વાક્ય પૂરું કર્યું.


અભિ અને સીમા ટેક્સીમાં બેસીને ઘરે જતાં હતાં. અચાનક સીમાની આંખો ભરાઇ આવી.

‘સીમા, શું થયું.?’ અભિએ પૂછ્યું.

ચંદનની યાદ આવી ગઇ. અમારી પાસે બબ્બે ટેક્સીઓ હતી. ખબર નહીં. એ ક્યાં છે અને એણે ટેક્સીઓનું શું કર્યું.?’ સીમાએ અભિની છાતી પર માથું ઢાળી દીધું.

‘એનું કામ પતશે એટલે આવી જશે, બધું બરાબર હશે.’ અભિએ આશ્ર્વાસન આપ્યું.

‘ગયો પછી એણે એક પણ વાર ફોન નથી કર્યો. મને બહુ ડર લાગે છે.’
‘એ જ્યાં હશે ત્યાં સલામત હશે. તું નાહકની ચિંતા કરે છે.’ અભિએ સીમાની હથેળી દાબતા કહ્યું.

સોરી, મેં તારો મૂડ ખરાબ કરી નાખ્યો. તું એકદમ મસ્ત એક્ટિંગ કરે છે.
‘અને તું મારી સામે જોઇને શા માટે ડાયલોગ બોલતો હતો…મને શરમ આવવા લાગી હતી.’ સીમાએ વાતને વળાંક આપ્યો.
‘ખરું કહું તો મને ખબર નહતી કે હું કોની સામે જોઇને બોલતો હતો….હું તો બસ મારા અભિનયમાં ડૂબેલો
હતો.’

મને પાંઉ ભાજી નહીં ખવડાવે…?’ સીમાએ કહ્યું. અભિએ ટેક્સી ઊભી રખાવી. બંનેએ ભરપેટ ખાધું. હસીમજાકના માહોલમાં ઘરે પહોંચ્યા.
‘હું મારી રૂમ પર જાઉં.’ અભિએ ના સાંભળવા માટે જ પૂછ્યું.

‘ના….તુ બહુ સ્માર્ટ છો….તારે મારા મોઢેથી ના જ સાંભળવી હતીને.?’


થોડીવાર પહેલા ઉપર-તળે થતા શ્ર્વાસનો લય ધીમો પડવા લાગ્યો….બે હળવાફુલ બદન હજી હવામાં તરતા હતાં…….ભીની હથેળીઓ વળગેલી હતી ને આંગળાઓ એકમેકમાં ભેરવાયેલા હતા. સીમાની છાતી પર બેઠેલા હજારો રંગબેરંગી પતંગિયા હળવે હળવે ઊડી રહ્યા હતા ને અભિ એક અનોખી મહેક મહેસૂસ કરી રહ્યો હતો.
‘અભિ, તું મને આ કેવી અલૌકિક જગ્યાએ લઇ જાય છે જ્યાં પહોંચવાનો મને તલસાટ હોય છે, પણ ત્યાંથી પાછું ફરવું મુશ્કેલ બની જાય છે.’ સીમાના શ્ર્વાસમાંથી ચળાઇને આવેલા ધીમા શબ્દો અભિના કાનમાં ઝણઝણ્યા.

‘અને…મને થાય છે કે મદહોશીનો આલમ રચતી આ મહેક…આ ખુમાર…આ નશામાંથી બહાર ન આવું.’
બોલીને અભિએ સીમાની છાતી પર માથું ઢાળી દીધું. સીમાએ એના લાંબા વાળ અભિના માથા પર ઉપર બીછાવી
દીધા.

‘અભિ, તું બહુ મોટો કલાકાર બનીશ…અહીંથી જતો રહીશ…મને ભૂલી જઇશ.’ સીમાના અવાજમાં ઉદાસી
હતી.

‘કદાચ…કદાચ…જો હું મોટો કલાકાર બનીશ તોય તારા ઉપકારોને નહીં ભૂલું. આપણી આ રાતો, આ પળોને
ક્યારેય નહીં ભૂલું. આપણું મળવાનું ચાલુ રહેશે.’ આ સાંભળીને સીમા એનું કપાળ, હોઠ અને ગાલ ચુમવા
લાગી.

‘હું જાણું છું અભિ, કે તું આ બોલે છે એને નિભાવવું અઘરું છે…કેમ કે તારી એક અલગ દુનિયા હશે…એની ચમકદમક, એનો મોહ અલગ હશે, લોકો અલગ હશે, છતાંય મને આ ઘડીએ…આ ક્ષણે…તારું આ બોલવું…તારા આ શબ્દો બહુ ગમે છે. તું જાદુગર છો..તારી જાદુગરી મને સમ્મોહિત કરી ગઇ છે.’
‘સીમા, મારા પર છવાયેલા રહેતા તારા આ નશાનું
મને બંધાણ થઇ ગયું છે. હું તારી મોહિનીમાંથી
છૂટવા નથી માગતો.’ અભિએ એના કપાળે હળવું ચુંબન કર્યું.

…..અને હું ઇચ્છું કે, આપણને રોમેરોમ રોમાંચિત કરતી આ પળો ક્યારેય ખતમ ન થાય…સીમા અભિને વળગી પડી. અને….બારણે ટકોરા પડ્યા. સીમા અને અભિ સફાળા બેઠાં થઇ ગયાં.
‘કોણ હશે આટલી મોડી રાતે..?’ અભિના અવાજમાં ફફડાટ હતો.

સીમાએ એને ચૂપ રહેવા ઇશારો કર્યો. એ દરવાજો ખોલવા આગળ વધી. અભિ એની પાછળ ગયો. સીમાએ દરવાજો ખોલ્યો. અવાચક સીમા દરવાજે ઊભેલા માણસને જોઇને પાછળ હટવા માંડી…..પાછળ પગે ચાલતાં અભિને ટકરાઇ…ને ત્યાં જ ઊભી રહી ગઇ.

‘ચંદન, તું..?’ સીમાનો તળિયે બેસી ગયેલો અવાજ માંડ નીકળ્યો. (ક્રમશ:)

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker