વેપાર

નફારૂપી વેચવાલીના આંચકા પચાવીને વૈશ્ર્વિક સોનું મક્કમ

દિવાળીના તહેવારોમાં ઊંચી ભાવસપાટીએથી વૉલ્યુમ પાંખાં રહેવાની ભીતિ

કોમોડિટી -રમેશ ગોહિલ

વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનાં આંચકાઓ આવતા ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ છતાં આગામી નવેમ્બર મહિનાની અમેરિકાની પ્રમુખપ્રદની ચૂંટણી પૂર્વે ભારે રસાકસીનો માહોલ જોવા મળતાં પરિણામો અંગે પ્રવર્તી રહેલી અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોમાં વધેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં જળવાઈ રહેલી સલામતી માટેની માગ ઉપરાંત આગામી ૬-૭ નવેમ્બરની ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે હળવી નાણાનીતિ જાળવી રાખીને વ્યાજદરમાં વધુ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ વચ્ચે વિશ્ર્વ બજારમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, સપ્તાહના અંતે શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર પુન: વિશ્ર્વ બજારમાં સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા હાજરમાં ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૭૪૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ એકંદરે નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં સતત ત્રીજા સપ્તાહમાં ભાવમાં સાપ્તાહિક ધોરણે સુધારો નોંધાયો હતો, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૭૫૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર-ફુગાવા અને જીડીપીનાં ડેટા પર સ્થિર થઈ છે કેમ કે સામાન્યપણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત માટે મુખ્યત્વે ફુગાવાના ડેટા, આર્થિક વૃદ્ધિ તેમ જ રોજગારીના ડેટાને ધ્યાનમાં લેતી હોય છે.

દરમિયાન સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સોનાના ભાવ વિશ્ર્વ બજાર પાછળ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૮મી ઑક્ટોબરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭,૪૧૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૭,૯૬૮ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૭૭,૯૬૮ની સપાટી અને ઉપરમાં રૂ. ૭૮,૭૦૩ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૭૮,૭૦૫ના મથાળે બંધ રહ્યા હતા. આમ સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦૫નો અથવા તો ૦.૭૮ ટકાનો સુધારો નોંધાયો હતો. જોકે, સપ્તાહ દરમિયાન ખાસ કરીને ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત દબાણ હેઠળ હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની તુલનામાં ભાવ ઓછા દબાણ હેઠળ રહ્યા હતા. એકંદરે તેજીના માહોલમાં રિટેલ સ્તરની માગ સુસ્ત રહેવા ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહી હતી. વધુમાં આગામી સપ્તાહે સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં પણ ઊંચા મથાળેથી અપેક્ષિત માગનો વસવસો રહેવાની ભીતિ સેવાઈ રહી હોવાનું જ્વેલરોએ જણાવતા ઉમેર્યું હતું કે આ સપરમા દહાડાઓમાં માગ જરૂર રહેશે, પરંતુ વૉલ્યુમ અથવા તો ખરીદીની માત્રામાં ઘટાડો જોવા મળે તેમ જણાય છે.

તાજેતરમાં વૈશ્ર્વિક સોનાને મુખ્યત્વે અમેરિકાની ચૂંટણીની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિનું વલણ જાળવી રાખે તેમ હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાથી આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૩૨ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.

તેમ જ ફેડરલના હળવી નાણાનીતિના વલણને ધ્યાનમાં લેતા બહુધા વિશ્ર્લેષકો સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. આથી આ વર્ષે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને સોના-ચાંદીના આભૂષણો કરતાં સિક્કાઓમાં રોકાણલક્ષી માગનું પ્રમાણ વધુ રહે તેવું અમુક જ્વેલરોનું મંતવ્ય છે.

તાજેતરમાં જિઓજીત ઈનસાઈટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ઈન્ટરનલ રિસર્ચ ઍન્ડ એનાલિટિક્સની એક આંકડાકીય માહિતી અનુસાર વર્ષ ૨૦૨૪માં ગત સપ્ટેમ્બર મહિના સુધીમાં સોનામાં રોકાણકારોને ૧૭.૨ ટકા જેટલું વળતર છૂટ્યું છે. જે ફિક્સ્ડ ડિપોઝિટનાં સરેરાશ ૫.૨ ટકાના અને પબ્લિક પ્રોવિડૅન્ટ ફંડ (પીપીએફ)ના ૫.૩ ટકાના વળતરની સામે વધુ રહ્યું છે.

આ પૂર્વે ગત કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩માં સોનામાં વળતર ૧૫.૩ ટકાના સ્તરે રહ્યું હતું, જ્યારે પીપીએફના સરેરાશ ૭.૧ ટકા અને ફિક્સ્ડ ડિપોઝિટના સરેરાશ ૬.૬ ટકાના વળતર કરતાં વધુ રહ્યું હતું. આમ એકંદરે વિશ્ર્વ બજાર પાછળ ભવિષ્યમાં સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની ધારણા મુકાઈ રહી હોવાથી સોનામાં રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ થવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનામાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ ઉપરાંત અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી પ્રબળ શક્યતાઓને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક સોનામાં વધઘટે સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતા એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૬,૭૦૦થી ૭૮,૦૦૦ની રેન્જમાં રહે તેમ જણાય છે.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮,૯૧૯ની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button