નોમાન-સાજિદની સ્પિન જોડીએ 20 પછી હવે 19 વિકેટ લીધી, પાકિસ્તાને ઇંગ્લૅન્ડને સિરીઝમાં હરાવ્યું
રાવલપિંડી: એક તરફ ભારતમાં ટીમ ઇન્ડિયાએ પોતાની જ ટર્નિંગ પિચ પર (પુણેમાં) બીજી ટેસ્ટમાં પણ પરાજિત થઈને શનિવારે ત્રીજા દિવસે ન્યૂ ઝીલૅન્ડને સિરીઝનો વિજય તાસક પર ધરી દીધો ત્યાં બીજી બાજુ પાકિસ્તાને પોતાની ધરતી પર સ્પિનર્સને વધુ માફક આવતી રાવલપિંડીની પિચ પર ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી. લેફ્ટ-આર્મ સ્પિનર નોમાન અલી અને ઑફ-સ્પિનર સાજિદ ખાન સતત બીજી ટેસ્ટમાં પાકિસ્તાની ટીમના બે હીરો બન્યા.
મુલતાનની બીજી ટેસ્ટમાં બન્ને સ્પિનરે મળીને કુલ 20 વિકેટ લીધી હતી, જ્યારે રાવલપિંડીની નિર્ણાયક ટેસ્ટમાં તેમણે કુલ 19 વિકેટ લઈને બેન સ્ટૉક્સની ટીમ સામે શાન મસૂદની ટીમને શાનદાર વિજય અપાવ્યો.
આ પણ વાંચો: PAK vs ENG: બાબર-શાહીન વગર પાકિસ્તાને જીત મેળવી, આ ત્રણ ખેલાડીઓ હુકમના એક્કા સાબિત થયા…
પાકિસ્તાન 2021ની સાલ પછી પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ જીતવામાં સફળ થયું છે.
ઇંગ્લૅન્ડની ટીમ બીજા દાવમાં ફક્ત 112 રનમાં ઑલઆઉટ થઈ જતાં પાકિસ્તાનને 36 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 37/1ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
નોમાન અલીએ પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં છ વિકેટ મેળવી હતી, જ્યારે સાજિદ ખાને પ્રથમ દાવમાં છ અને બીજા દાવમાં ચાર વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને બીજી ટેસ્ટમાં સ્પિનર્સના તરખાટથી વિજય મેળવ્યો ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાવલપિંડીની પિચ પર ફૅક્ટરીમાં વપરાય એવા તોતિંગ પંખા બેસાડીને તેમ જ હીટરની મદદથી પિચને સૂકી બનાવી હતી અને બન્ને સ્પિનર નોમાન અલી તથા સાજિદ ખાન ફરીવાર બ્રિટિશ બૅટર્સ સામે સફળ થાય એવી સ્થિતિ ઊભી કરી હતી. એમાં પાકિસ્તાન બોર્ડને સફળતા મળી છે.
આ પણ વાંચો: ‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે આવી સ્પિન-ફ્રેન્ડલી પિચ વિશે તમને કોઈ ફરિયાદ છે? એવું એક પત્રકાર દ્વારા પૂછાતાં કહ્યું હતું કે ‘મારી કોઈ જ ફરિયાદ નથી. ઘરઆંગણે રમનારી ટીમ પોતાને સૌથી સારી તક કેવી રીતે મળે એના જ પ્રયત્નમાં હોય છે. એમાં કંઈ ખોટું નથી.’
સિલેક્ટર્સે 10 મહિના બાદ નોમાન-સાજિદને ટીમમાં પાછા સમાવ્યા અને આ બન્ને સ્પિનરે છેલ્લી બે ટેસ્ટમાં કુલ 40માંથી 39 વિકેટ લીધી. મુલતાનની બીજી ટેસ્ટમાં તમામ 20 વિકેટ નોમાન-સાજિદે લીધી હતી.