પુણેની હૉસ્પિટલમાંથી ફરાર થયેલા ડ્રગ્સ માફિયાના ભાઈની ફૅક્ટરી હોવાની શંકા
મુંબઈ: નાશિકમાંથી મળી આવેલી ડ્રગ્સ ફૅક્ટરી પુણેની સસૂન હૉસ્પિટલમાંથી સોમવારે ફરાર થઈ ગયેલા ડ્રગ્સ માફિયા લલિત પાટીલના ભાઈની હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સની હેરફેર કરનારાઓની તપાસમાં સાકીનાકા પોલીસ નાશિક સુધી પહોંચી હતી. આ તપાસનું કનેક્શન લલિત પાટીલ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં લલિતના ભાઈ ભૂષણનું નામ પણ શંકાના ઘેરામાં છે. કહેવાય છે કે નાશિકની ફૅક્ટરીનું સૂત્રસંચાલન ભૂષણના ઇશારે થતું હતું. જોકે ભૂષણ હજુ હાથ લાગ્યો ન હોવાથી પોલીસ આ અંગે ખાતરીપૂર્વક કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે. ડ્રગ્સ માફિયા લલિત પાટીલની પુણે પોલીસે ધરપકડ કર્યા પછી છેલ્લા એક વર્ષથી તે પુણેની યેરવડા જેલમાં હતો. જોકે નાદુરસ્ત તબિયતને કારણે તેને પુણેની સસૂન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા લલિતને બીજી ઑક્ટોબરે એક્સ-રે કઢાવવા લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તે ફરાર થઈ ગયો હતો. હૉસ્પિટલમાં દાખલ લલિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો અને તેની મદદથી તે ડ્રગ્સનું નેટવર્ક ઑપરેટ કરતો હતો, એવું તપાસમાં સામે આવ્યું હતું. કહેવાય છે કે મુંબઈ પોલીસની કાર્યવાહીની તેને જાણકારી મળી ગઈ હતી. રેલો તેના સુધી પહોંચવાનો અણસાર આવતાં તે હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. આ માટે સ્થાનિક પોલીસ દ્વારા કથિત મદદ કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો, જેને પગલે પુણેના નવ પોલીસ અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નવમાંથી પાંચ પોલીસ અધિકારીને આરોપીની સુરક્ષાવ્યવસ્થામાં કચાશ રાખવા બદલ અને ચાર પોલીસને હૉસ્પિટલના વૉર્ડમાં આરોપીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા દેવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.