બ્લેકમની ને બિલ્ડિંગ: સોલિડ સરકારી સ્કીમ
એ વાત તમે પણ જાણો છો અને એ લોકો પણ જાણે છે, જે લોકો એમ માને છે કે અમને
ખબર નથી કે ચોરીની કમાણી વિના ગગનચુંબી મોટાં બિલ્ડિંગો નથી બંધાઇ શકતા, હવે એમને
શું કહેવું? આખા દેશમાં મકાનનો અડધો ભાગ ભલે વ્હાઇટ-મનીથી બનતો હોય પણ બાકીનો અડધો ભાગ તો બ્લેક-મની વગર પૂરો થતો જ નથી.
ચાલો, હવે આપણે એને ભારતીય ઇકોનોમિકસની પૉલિસી તરીકે ઓફિશિયલી સ્વીકારી જ લઇએ કે કાળું નાણું ઊંચા ઘર-મકાનો બનાવવામાં વપરાય છે, જેનાથી શહેરોની ભવ્યતા વધે છે.
આ બધી કરુણ હકીકતની ચિંતા કર્યા વિના આપણે દેશની એ આદર્શ પરિસ્થિતિ વિશે વિચારીએ કે ક્યારેક તો દરેક ઝૂંપડામાં રહેવાળાને ય ઘર મળશે જ. ત્યારે ત્યાં પણ કાળું નાણું વપરાશે જ. ઇન શોર્ટ, જે મોટું મકાન બનાવે છે તે મોટી ચોરી કરે અને જે નાનું મકાન બનાવે તે નાની ચોરી કરે. જેમ મોટું ઘર, એમ મોટો ચોર. જેમ નાનું ઘર, એમ નાનો ચોર. અમે આમાં પાછી પેલી સરકારી હાઉસિંગ યોજનાઓને તો ગણતા જ નથી, કારણ કે એના માટેનાં કાળાનાણાં એ અલગ જ નાજુક વિષય છે. વળી, દરેક સરકારી યોજનામાં એના ભ્રષ્ટાચાર માટે અલગ જ બજેટ પહેલેથી ફાળવવામાં આવ્યું હોય છે એટલે કે આ બેઇમાનીના રાષ્ટ્રિય સિદ્ધાંત દ્વારા દરેક ઝૂંપડાવાસી પોતાનું પાકું ઘર ત્યારે જ બનાવી શકશે, જ્યારે એ થોડી ઘણી મહેનતથી થોડું કાળું નાણું એકઠું કરી શકશે.
આપણે બેઇમાનીનાં આ સિદ્ધાંતના માર્ગ પર ચાલશું તો સુંદર ઘરો
બનશે ને એ બધાં નાનાં નાનાં ઘર, બેઇમાનીનાં રાષ્ટ્રીય પ્રતીક સમા બની જશે! મતલબ કે દરેક
પાકું ઘર આપણા દેશનાં ચરિત્રની ડિઝાઇન ગણાશે. જો કે પેલી બેઇમાની તો પાછી અલગ જ ચિંતાનો વિષય છે પણ ચાલો, ગમે તે રીતે ગરીબો માટે ઘરો તો બનશે.
જો કે આમાં અમે આર્થિક મુદ્દાથી ભટકીને નૈતિકતા વગેરે પર વિચારવા લાગ્યા એટલે એ બધું મૂકો પડતું. અમે કેટલાક વહેવારુ આઇડિયા સુઝાડીએ, જેને માટે અમે ખૂબ ચિંતન-મનનમાં ભેજું ઉકાળ્યું છે, તો એ સ્કીમ એમ છે કે….
લગભગ રોજ મુંબઈ એરપોર્ટ પર, વિદેશથી આવતા-જતા લોકોના સામાન અને કપડાંની
તપાસ દરમિયાન ચોરીછૂપી લાવેલાં સોનાનાં સિક્કા ને કિંમતી માલસામાનને લગભગ પકડવામાં આવે છે, પણ એ બધાંને આપણે દેશની ઓફિશિયલ કે રેગ્યુલર ઇન્કમ તરીકે જાહેર કરી શકતા નથી, કારણ કે એનાથી આ દેશની બદનામી થાય, પણ ચોરીનાં એ પૈસાની મદદથી બિચારા ઝૂંપડપટ્ટીવાળાંઓ માટે મકાનો બનાવી જ શકીએને?
સ્લોગન હશે : સ્મગલિંગ પકડો, સરકારી મકાન બનાઓ…
એ જ રીતે, મુંબઈ એરપોર્ટ પરથી જે કંઈ દાણચોરીની આવક થશે એને મુંબઈની સુંદરતા વધારવામાં ખર્ચ કરવામાં આવે. સિંપલ!
કાલે જ એક પ્રવાસીના સૂટકેસનાં નકલી તળિયામાંથી ૭ કરોડનું સોનું મળી આવ્યું.
હવે વિચાર કરો, એ સોનામાંથી કંઇ કેટલાય ગરીબો માટે મકાનો બની શકેને? આવતી
કાલે ફરીથી થોડા લાખ કે કરોડ પકડાશે ને એમાંથી બીજાં નવા મકાનો બનશે. માલ પકડાશે,
મકાન બનશે..વધુ માલ પકડાશે, વધુ મકાન બનશે. પછી ધીમે-ધીમે ગરીબો માટે મકાનોનો પ્રોબ્લેમ સોલ્વ!
આમ બેઇમાનીનાં સિદ્ધાંતનો ઇમાનદારીથી નવા ક્ષેત્રમાં ઉપયોગ કરવાનો. આમે ય પોતાની ચોરીની કે કાળી કમાણીથી ફ્લેટ બનાવવાનું કામ તો લોકો મુંબઈમાં કરી જ રહ્યા છે તો પછી બીજાની ચોરીથી મેળવેલી કમાણીથી કોઈ ત્રીજી વ્યક્તિનાં ઝૂંપડાને પાક્કા મકાનમાં બદલવાનું કામ સરકાર હાથમાં લઈ શકેને? વળી એ જ લોજિક પ્રમાણે સી.બી.આઇ. કે ઈડી દ્વારા કોઇ બિઝનેસમેન કે ભ્રષ્ટ નેતા એટલે કે (વિપક્ષી નેતા’ વાંચો) પર દરોડા પાડવામાં આવે તો એ કાળા પૈસાથી કાળા ડામરનાં રસ્તા પણ બની શકે ને?
…..પણ હા, ધારો કે અમારા આવા અદ્ભુત આઇડિયા વડે જ્યારે પણ આવી મની લોન્ડરિંગમાંથી મકાન બનાવવાની સ્કીમ શરૂ થાય ત્યારે મારા માટે એક કમસેકમ ૧ મસ્ત ફ્લેટ રિઝર્વ રાખજો, હોં…. દેશનાં અર્થતંત્રમાં આવા આઇડિયા સુઝાડનાર મારા જેવા બુદ્ધિજીવીઓ પ્રત્યે દેશની પણ કંઇક ફરજ તો હોય કે નહીં?!