યમુનામાં ડુબકી લગાવ્યા બાદ બગડી દિલ્હી BJP ચીફની તબિયત, થયા હૉસ્પિટલમાં ભરતી
નવી દિલ્હીઃ દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની તબિયત બગડતા તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીરેન્દ્ર સચદેવાને સ્કિન ઈન્ફેક્શન થઇ ગયું છે. તેમને શરીરે ખંજવાળ આવી રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સચદેવા કહે છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ કે ખંજવાળ આવવાનો અગાઉનો કોઈ રેકોર્ડ નથી. તેમને આ પહેલા આ પ્રકારની બીમારી થઈ નથી.
સચદેવાએ 24 ઓક્ટોબરે યમુના નદીના અત્યંત પ્રદૂષિત પાણીમાં ડૂબકી લગાવી હતી અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર યમુના નદીની સફાઈ કરવાનું વચન પૂરું કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી ભાજપએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડૂબકી માર્યા પછી સચદેવાને ત્વચા પર ફોલ્લીઓ થઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. સચદેવાએ કેજરીવાલને નદીમાં નહાવા માટે પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે કેજરીવાલે દિલ્હીના લોકોને એવું વચન આપ્યું હતું કે તેઓ 2025 સુધીમાં યમુના નદીને એવી સાફ કરી દેશે કે લોકો તેમાં ડુબકી લગાવી શકશે અને સ્નાન પણ કરી શકશે.
આ પણ વાંચો…..Inflation : મોંધવારી મુદ્દે આરબીઆઇ ગર્વનરનું મોટું નિવેદન, કહી આ વાત
દીવાળીના થોડા દિવસો બાદ છઠ્ઠનો તહેવાર આવશે. આ પહેલા દિલ્હીના શાસક AAP અને BJP એકબીજા પર નદીના પ્રદૂષણ અને ઝેરી ફીણનો આરોપ લગાવી રહ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલિન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વર્ષ 2025 સુધીમાં યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે યમુનાનું પાણી ડૂબકી મારવા જેટલું સ્વચ્છ હશે. યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવી શકાય છે. આ અંગે દિલ્હી ભાજપે નિવેદન જાહેર કર્યું હતું કે વીરેન્દ્ર સચદેવાએ ડુબકી મારીને માતા યમુનાની માફી માંગી હતી કે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીની આતિષી માર્લેના સરકારે યમુના સફાઈ ફંડના 8500 કરોડ રૂપિયા લૂંટ્યા છે, પરંતુ યમુનાની સફાઈ કરી નથી.