વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

ભાત ભાત કે લોગ : બ્રુસ બન્યો બ્રેન્ડા ને બ્રેન્ડા બની ડેવિડ, પણ આખરે તો…

  • જ્વલંત નાયક

ગત સપ્તાહે આપણે ડેવિડ ઉર્ફે બ્રુસ રાઈમરની વાત માંડેલી. સુન્નતના ઓપરેશન દરમિયાન માત્ર સાત મહિનાના બ્રુસનું શિશ્ર્ન બળી ગયું! બ્રુસ બાવીસ મહિનાનો થયો ત્યારે પિતા એને ટ્રીટમેન્ટ માટે એ સમયના ખ્યાતનામ સાયકિયાટ્રિસ્ટ – સેક્સોલોજિસ્ટ ડૉ. જ્હોન વિલિયમ મની પાસે લઇ ગયા. ડૉ. મનીએ ‘જેન્ડર રિપેરિંગ’ થિયરી મુજબ નાના બાળકને ઓપરેશન અને હોર્મોનલ ટ્રીટમેન્ટ દ્વારા ‘ગર્લ ચાઈલ્ડ’ તરીકે ઉછેરવાનું નક્કી કર્યું. ડૉ. મનીએ પોતાના પેશન્ટ બ્રુસ રાઈમરની કેસ સ્ટડીને ‘જ્હોન કેસ’ તરીકેની ઓળખ આપી. એ સમયે તબીબી વર્તુળોમાં પણ આ જ્હોન કેસ સ્ટડી બહુચર્ચિત બની, પણ બિચારા બ્રુસ માટે આ કેસ સ્ટડી નહોતી, બોડી અને ઈમોશન્સ સાથેની જીવલેણ રમત હતી!

બીજી બાજુ, ડૉ. મનીનું માનવું હતું કે જેન્ડર રિપેરિંગ દ્વારા બ્રુસને સંપૂર્ણ સ્ત્રી બનાવી દેવાથી એનું ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે. એક સ્ત્રી તરીકે એ આનંદપૂર્વક નોર્મલ જીવન વિતાવી શકશે. આથી સૌથી પહેલા ઓપરેશન દ્વારા બ્રુસના વૃષણોનો નિકાલ કરી દેવામાં આવ્યો અને એ સમયે બ્રુસની ઉંમર હતી માત્ર બાવીસ મહિના! એક ડોકટરની ભૂલથી શિશ્ર્ન અને વૃષણો ગુમાવી ચૂકેલો બ્રુસ હવે બીજા ડોક્ટરની સલાહ મુજબ ‘બ્રેન્ડા’ બનીને ઉછરવાનો હતો!

રાઈમર પરિવારે ડૉકટરની સલાહ મુજબ બ્રુસને એક ગર્લ ચાઈલ્ડ તરીકે ઉછેરવાનું શરૂ કર્યું. એને છોકરીના કપડાં પહેરાવવામાં આવતા, અને એની રહેણીકરણી-ઉછેર એક ગર્લ ચાઈલ્ડને અનુરૂપ થવા માંડ્યો. બ્રેન્ડા બનેલા બ્રુસના શરીરમાં એક આર્ટિફિશિયલ ફિમેલ જેનિટલ (યોનિમાર્ગની બાહ્ય રચના) પણ જોડવામાં આવ્યો.

બ્રુસના કેસમાં આ બધું એક રીતે કુદરત વિરુદ્ધનું હતું. પણ માતા-પિતા ગમે તે ભોગે પોતાના સંતાનને સુખી જોવા ઇચ્છતા હતા, સામે પક્ષે ડૉ. મનીને કદાચ પોતાની થિયરી સાબિત કરવામાં વધુ રસ હતો, પણ કુદરત પોતાની અલગ જ ચાલે ચાલતી રહી. ઉંમર વધતી રહી તેમ તેમ બ્રેન્ડાને ઢીંગલીઓ સાથે રમવામાં કે પિંક કલરના ફ્રોક્સ પહેરવામાં રસ પડવો જોઈતો હતો. એના બદલે એને તો પોતાના ભાઈ બ્રાયન સાથે આઉટડોર રમતોમાં જ વધુ રસ પડતો.

શાળામાં ભણવાનું શરૂ થયું, એ પછી પણ છોકરીઓ કરતાં છોકરાઓ સાથે રમવાનું અને ઉછળકૂદ કરવાનું બ્રેન્ડાને વધુ માફક આવતું. આનું સામાજિક પરિણામ બહુ ખરાબ આવ્યું. થયું એવું કે છોકરીઓ એને ‘ટોમ બોય’ ગણીને દૂર રહેવા લાગી, જ્યારે છોકરાઓને બ્રેન્ડામાં કોઈ રસ પડતો નહીં એટલે એ પણ દૂર જ રહેતા.

બાળક જ્યારે ટીનએજ તરફ સરકતું જાય અને એને સામાજિક સંબંધો-મિત્રોની હૂંફની વધુ જરૂર વર્તાતી જાય એવા સમયે બ્રુસ ઉર્ફે બ્રેન્ડાને એકલતા ઘેરી વળી. જો કે એકલતા કરતા ય બૂરો અનુભવ ખુદ ડૉકટર મની તરફથી થયો. આ ડૉકટરની થિયરી મુજબ, જો બાળપણથી જ કોઈ બાળક અમુક પ્રકારના જાતીય કર્મ સાથે જોડાય જાય તો એની માનસિકતા એ મુજબ ઘડાતી હોય છે.

આ વાત કેટલેક અંશે સાચી હોઈ શકે, પણ બ્રેન્ડાના કેસમાં આખી વાત બહુ ખરાબ રીતે હાથ ધરવામાં આવી. ડૉ. મનીએ નાનકડી બ્રેન્ડાને સેક્સ્યુઅલ એક્ટિવિટી તરફ ધકેલી. અને એ ય કોની સાથે? સગા ભાઈ બ્રાયન સાથે! બ્રાયન કે બ્રુસ (બ્રેન્ડા) પોતે એટલા નાના હતા, કે કશું સમજી શકે એમ જ નહોતા. પણ ડૉ. મની? સાયકોલોજી અને સેક્સોલોજીનો ખાં ગણાતો આ માણસ એટલું ય ન સમજી શક્યો કે પોતે નાના બાળકો સાથે જે કરી રહ્યો છે એ કૃત્ય રાક્ષસોને ય સારા કહેવડાવે એવું છે? મની આ આખી પ્રોસેસને ‘ચાઈલ્ડહુડ સેક્સ્યુઅલ રિહર્સલ પ્લે’ તરીકે ઓળખાવતો, અને માનતો કે આ પ્રકારના રિહર્સલ્સ દ્વારા બ્રેન્ડા સ્ત્રીત્વ પામવા તરફ ધકેલાશે! જ્યારે બંને બાળક એકબીજાના જનનાંગો સાથે રમત કરવાનો ઇનકાર કરતા ત્યારે મનીનો પિત્તો ફાટતો, અને ઉગ્ર સ્વરે આદેશો આપતો. ડૉ. મની પોતે વિકૃત નહોતો, પણ પોતાની થિયરી સાચી સાબિત કરવાની ધૂન એના મગજ પર સવાર હશે!

આવા અનેક ટ્રોમા સહન કરવાને કારણે બ્રેન્ડા ૧૩ વર્ષની ઉંમરે પહોંચી, ત્યાં સુધીમાં ભયંકર સ્યુસાઈડલ ડિપ્રેશનનો ભોગ બની. એણે સ્કૂલે જવાનું તો ક્યારનું ય બંધ કરી દીધેલું. આખરે પિતાએ ભારે હૃદયે બ્રેન્ડાને ભૂતકાળમાં થયેલા અકસ્માત અને એના મૂળ જેન્ડર વિષે વાત કરી ત્યારે બ્રેન્ડા, એટલે કે બ્રુસની ઉંમર હતી માત્ર ૧૪ વર્ષ! ટીનએજર બાળક આ બધું શાસ્ત્ર કઈ રીતે સમજી શકે? જેમાં પોતાનો કોઈ જ દોષ નહોતો, એવી પરિસ્થિતિએ જીવનમાં એવી ગૂંચ સર્જી કે બહાર નીકળવાનો કોઈ માર્ગ સૂઝતો નહોતો.

આખરે બ્રેન્ડાએ બહુ હિમ્મતભર્યો નિર્ણય કર્યો : બેક ટુ પાસ્ટ જવું. જો પોતે પુરુષ તરીકે જન્મ લીધો હોય તો સ્ત્રી તરીકે જીવવામાં ફાંફા પડી રહ્યા હોય, તો બહેતર છે કે ફરી પુરુષ બની જવું.
પહેલા બ્રુસ ને પછી બ્રેન્ડા તરીકે જીવી લીધા બાદ એણે પુરુષ તરીકે ત્રીજો અવતાર ધારણ કર્યો- નામ રાખ્યું ‘ડેવિડ’. ફરી એક વાર ઓપરેશન્સ અને હોર્મોનલ થેરાપીનો દોર શરૂ થયો. અહીં એક વાક્યમાં આ લખી દેવું આસાન છે, પણ એક કુમળી ઉંમરના ટીનએજર પર શું વીત્યું હશે, એ ભયાવહ કલ્પનાનો વિષય માત્ર છે.

ડેવિડ તરીકે એ યુવાન થયો. ભણતર તો ખાસ હતું નહિ, એટલે નાની-મોટી નોકરીઓ કરી. સંઘર્ષો હતા, પણ બાળપણ તેમજ તરુણાવસ્થા દરમિયાન વેઠવો પડેલો માનસિક ત્રાસ નહોતો એટલે આ તબક્કો ડેવિડ માટે થોડી રાહત લઈને આવ્યો હશે. એના જીવનમાં જેન ફોન્ટેન નામની એક સ્ત્રી આવી, જે પતિથી છૂટાછેડા લઈને ત્રણ બાળકો સાથે એકલી રહેતી હતી. ભૂતકાળને કારણે ડેવિડને કોઈ સામાન્ય કોડભરી ક્ધયા સાથે મેળ પડે એમ નહોતો, પણ જેનને એણે ત્રણેય બાળકો સહિત અપનાવી લીધી.

બંને સપ્ટેમ્બર, ૧૯૯૦માં પરણી ગયા. એ પછી ૧૯૯૭માં ડેવિડે પ્રેસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી. પોતે ‘જેન્ડર રિપેરિંગ’ના નામે વેઠ્યું, એ બીજા બાળકોને ન વેઠવું પડે, એવો એનો હેતુ હતો. મીડિયાએ એની ખાસ્સી નોંધ લીધી. પછી તો ડેવિડના જીવન પરથી અત ગફિીંયિ ખફમય ઇંશળ: ઝવય ઇજ્ઞુ ઠવજ્ઞ ઠફત અ છફશતયમ ફત ફ ૠશહિ પુસ્તક લખાયું, જે બેસ્ટ સેલર બન્યું.

-પણ બીજી તરફ… નાનો ભાઈ બ્રાયન બાળપણના પેલા પ્રયોગો અને આખી રાઈમર ફેમિલીએ વેઠવા પડેલા માનસિક સંઘર્ષોને કારણે નોર્મલ જીવન ન જીવી શક્યો, અને ડિપ્રેશનમાં સરી પડ્યો. ૧ જુલાઈ ૨૦૦૨ના દિવસે બ્રાયને આત્મહત્યા કરી. ભાઈના મૃત્યુએ ડેવિડને હલાવી દીધો. પત્ની સાથેના એના સંબંધો પણ નોર્મલ નહોતા. આખરે ૨ મે ૨૦૦૪ને દિવસે પત્નીએ કહી દીધું કે આપણે છૂટા થઇ જઈએ તો સારું. ડેવિડ હવે ઉપરાછાપરી આઘાતો જીરવીને કંટાળ્યો. જન્મથી માંડીને ૩૮ વર્ષની ઉંમર સુધી આ જીવ કોઈ વાંકગુના વિના તડપતો રહ્યો. હવે એનેય મુક્ત થવું હતું.

૪ મે ૨૦૦૪. ડેવિડે પોતાની જાતને જ ગોળી મારીને તમામ પીડાઓમાંથી એક્વારી મુક્તિ મેળવી લીધી. આ આખા કેસ વિશે, ડેવિડની અવદશા વિશે ડૉ. જ્હોન વિલિયમ મનીએ ક્યારેય જાહેરમાં એક હરફ સુધ્ધાં નહોતો ઉચ્ચાર્યો, પણ એના સહકર્મીઓના કહેવા મુજબ, ડેવિડ ઉર્ફે બ્રેન્ડા ઉર્ફે બ્રુસની અવદશા વિષે જાણીને મનીને બહુ દુ:ખ થયેલું! જો કે પાછળથી એ ટ્રાન્સસેક્સ્યુઅલ મૂવમેન્ટના માનસપિતા તરીકે પ્રખ્યાત થયા.

-અને છેલ્લે… બ્રુસ અને બ્રાયન, આ બંને ‘ભાઈ’ને એમના વતન વિનીપેગના કબ્રસ્તાનમાં એકબીજાની બાજુબાજુમાં દફનાવવામાં આવ્યા છે.

Back to top button
ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker