નેશનલવીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

મસ્તરામની મસ્તી : દિવાળીએ ફરવા જાવું કે રખડવા?

-મિલન ત્રિવેદી

દિવાળીનાં પ્લાનિંગ આમ તો બધા ભેગા મળી અને બે મહિના અગાઉથી કરતા હોય છે, પરંતુ તે બધું હાઈક્લાસ ફેમિલી વિચારી શકે. મધ્યમ વર્ગ તો જેમ બે કપ ચા મૂકી હોય અને બીજા મહેમાન આવ્યા હોય તો દૂધના પૈસા તો પૂરા થઈ ગયા હોય પછી પાણી ઉમેરાતું જાય. બે કપમાંથી છ વ્યક્તિની ચા પણ પૂરી થાય તેમ નક્કી થયેલા બજેટમાં ઘર આખું કઈ રીતે ઉત્સવ ઉજવાય તેની ચર્ચા કરતા હોય. એકલી વ્યક્તિ હોય તો દુબઈની ટૂર કરી શકે, પરંતુ ચારનો પરિવાર વીરપુરની જાત્રા કરી શકે એટલું બજેટ જ હોય.

ચુનિયાનો પરિવાર સવારની ચા પી અને ગોઠવાઈ ગયો હતો, દિવાળીના દિવસોમાં શું કરવું એ નક્કી કરવાનું હતું.
ચુનિયાએ એલાન કર્યું : ’બોલો ક્યાં જવું છે ’? સિંહાસન પર બેસીને રાજા પ્રજા માટે ખજાનો ખુલ્લો મૂકતા હોય તેવી ફિલિંગ પરિવારને આવી. સૌએ મોટા ફાયદાની આશાએ ચુનિયાની વાતમાં રસ દાખવ્યો.

ચુનિયાએ એક શરત રાખી કે જેની બહુમતી થશે તે ડેસ્ટિનેશન પર ફરવા જવાનું થશે. પરિવાર પાસે ૧૦ મિનિટ છે. નક્કી કરી અને એક ચિઠ્ઠીમાં લખી નાખો. કોઈએ ચિઠ્ઠી એકબીજાને વંચાવવાની છે નહીં. ત્યાં સુધીમાં હું કેટલાક ટ્રાવેલ્સ વાળાને પેકેજ પૂછી રાખું છું. નાના છોકરાઓ તો દુબઈ દુબઈની બૂમો પાડવા લાગ્યા પરંતુ જુવાનિયા મલેશિયા- સિંગાપુર -હોંગકોંગ- બેંગકોકમાં અટવાયા હતા.

દુબઈ- મલેશિયા- ફુકેટ,…. ચિઠ્ઠી બનવા લાગી. એક જ સરખો ગુલાબી કાગળ દરેકને આપવામાં બહુ પદ્ધતિસર આયોજન કરવામાં આવ્યું હતું. ઘરના દરેક સભ્યએ પોતે ક્યાં ફરવા જવા ઈચ્છે છે તેની ચિઠ્ઠી બનાવી અને ચુનિયાના હાથમાં આપી દીધી. ચુનિયાએ પોતાની અને ઘરવાળાની ચિઠ્ઠી પણ બનાવી અને હાથમાં લઈ લીધી.

બધી ચિઠ્ઠી હાથમાં આવ્યા પછી ચુનિયાએ ફરી શરતો રિપીટ કરી કે તમામ લોકોને ક્યાં ફરવા જવું છે તે લખવાની છૂટ હતી. તે મુજબ તમે લોકોએ ચિઠ્ઠી બનાવી અને મને આપી દીધી છે, પરંતુ જે દેશની બે વાર કે વધુ વાર ચિઠ્ઠી નીકળશે તે બહુમતીથી ફાઇનલ થશે. કોઈ મોટી કંપનીનો ઇસ્યૂ બહાર પડતો હોય અને શૅર લાગશે તો એટલો ભાવ ખૂલશે કેટલો ફાયદો થશે આ બધી બાબત નાના રોકાણકારને જેટલી ઉત્સાહિત કરે તેટલી ઉત્સાહિત આ ફરવા જવાની વિધિ ઉત્સાહિત કરી રહી હતી.

હવે બધી ચિઠ્ઠીઓ હાથમાં આવી ગઈ પછી એક પછી એક ચિઠ્ઠીઓ ખૂલતી ગઈ તે સ્થળ લખાતાં ગયાં ,પરંતુ શૅરબજારમાં નવી સ્ક્રિપ્ટ દાઝી હોય અને સો ટકા પ્રીમિયમ સાથે ખૂલશે તેવી ગણતરી પછી માઇનસમાં ખૂલે તેવી હાલત પરિવારના દરેક સભ્યોની થઈ, કારણ કે સમગ્ર પરિવારની ૧૨ ચિઠ્ઠીઓમાં ૧૦ અલગ અલગ ડેસ્ટિનેશન લખાયેલા, પરંતુ બે ચિઠ્ઠી હરદ્વારની નીકળી.

આપણા દેશની મતદાનની પેટર્ન યાદ આવી ગઈ. ભલેને ૩૫% મત મળે સામેના ૬૫% મત જુદી જુદી જગ્યાએ વહેંચાયેલા હોય જીત ૩૫% વાળાની થાય એમ ચુનિયાએ હરદ્વારની ટિકિટ કરાવવા માટે જેવી વાત કરી ત્યાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો. ચુનિયાએ ફરી દરેકને શાંત પાડી અને પૂછ્યું કે આપણે ફરવા જઇએ ત્યારે ત્યાં શું કરવા માગીએ છીએ ? દરેકે કહ્યું : જલસા! ચુનિયો કહે: હરદ્વારમાં પણ જલસા કરીશું… વિદેશી દેશનું ફૂડ પણ આપણે ટ્રાય કરવું જોઈએ’ જીણકાની વહુ બોલી.

ચુનિયાએ તરત જ કહ્યું કે ‘ઇટાલી ગયા વગર પણ તમને અહીં ઇટાલિયન ફૂડ મળે છે કે નહીં? કોઈ દિવસ ચાઇના ગયા છો? છતાં અહીં ચાઈનીઝ ભેળ પણ મળે છે. અને મને આપણા સૌની ખાસિયતની ખબર છે આપણે અહીં ફરવા જઈએ ત્યારે પણ ચાઈનીઝ -પંજાબી- ઇટાલિયન- મેક્સિકન ફૂડ ખાઈએ છીએ પરંતુ કુલુ મનાલી જઈએ ત્યારે ગુજરાતી થાળી ગોતીએ છીએ . આપણે જો પરદેશમાં પણ એ જ શોધવાનું હોય તો ખોટા રૂપિયા ખર્ચી ત્યાં શું કામ જવું? હરિદ્વારમાં પણ ગુજરાતી થાળી મળે છે. જીણકાની વહુ સસરાને તો શું કહે? પરંતુ એણે જીણકા સામે જે રીતે જોયું તે રીતે એનો વારો પડવો નિશ્ર્ચિત લાગ્યો.

મને કમને હરદ્વાર માટે સૌ તૈયાર તો થયા, પરંતુ હવે ફ્લાઇટમાં જવું કે ટ્રેનમાં જવું તેની મગજમારી શરૂ થઈ. સર્વાનું મતે એવું લાગતું હતું કે ચુનિયાને ફ્લાઈટની ટિકિટનો ધુમ્બો વાગશે. ચુનીયાએ તરત જ કહ્યું કે ચાલો ફ્લાઈટમાં જઈશું. પરંતુ અત્યારે ફલાઈટમાં જઈશું તો ત્યાં ધર્મશાળામાં રોકાવા જેટલું બજેટ બચશે. જો ટ્રેનમાં જઈશું તો સારી હોટલમાં જલસા કરી શકીશું. તરત જ બધાએ કહ્યું કે ‘સ્વિમિંગ પૂલવાળી હોટલ ગોતજો.’ ચુનિયાએ કહ્યું કે ‘આવડી મોટી ગંગા જ્યાં વહેતી હોય અને તેમાં ડૂબકીઓ ખાવાની હોય ત્યારે નાનકડા સ્વિમિંગ પૂલની શું વિશાત?’

ચુનિયાએ ફોન ઉપાડી રેલવે ટિકિટ બુકિંગ એજન્ટને ફોન કર્યો. ૧૨ ટિકિટનું બુકિંગ તાત્કાલિક મળે તેવું શક્ય નથી તેવું એજન્ટે કહ્યું કે તરત જ ચુનિયાએ એજન્ટને કહ્યું કે તને ખબર છે ને મારો પરિવાર સેક્ધડ એસી સિવાય મુસાફરી કરતો નથી. અત્યારે ટિકિટનું ન થાય તો દિવાળી પછીનું પણ બુકિંગ તો સેક્ધડ એસીનો જ જોઈશે. અત્યારે અમે નજીકના કોઈ સ્થળ પર થેપલા -પૂરી- શાક લઈ અને એક દિવસ રખડી આવીશું, પરંતુ હરદ્વાર- ઋષિકેશ- મસૂરી તો જલસા કરતા ફરવા જઈશું.

પરિવારને ચુનિયાનો એ આ અવાજ ખૂબ ગમ્યો અને ફુલણસી કાગડાની જેમ ફુલાતા ચુનિયા સમક્ષ અહોભાવ દ્રષ્ટિથી બધાએ જોયું. બહુ જ સિફતથી વિદેશ ટૂરને આજુબાજુના કોઈ મંદિરમાં એક દિવસીય ટ્રીપમાં ગોઠવવાની ચુનિયાની આ ખૂબીને દેશ આખાએ બિરદાવવી જોઈએ. —-

વિચારવાયુ:
જુદા જુદા મત ધરાવતા લોકોને પોતાની વાતમાં સર્વસંમતિથી સામેલ કરવા તે કુટુંબના કે દેશના વડાની ખૂબી ગણી શકાય. ફ્લાઈટમાં દુબઈ જવાની માગણી કરતા લોકોને પગપાળા દ્વારકા લઈ જાય તે જ સાચો મોભી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button