જૈન સંતો મળ્યા ફડણવીસને, પણ મળ્યો આ જવાબ, શું છે ભાજપનું ગણિત
મુંબઈઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા બન્ને ગઠબંધનોએ બેઠકની વહેંચણીની કસરત કરવી પડી છે અને તે ખૂબ અઘરી સાબિત થઈ રહી છે. ત્યારે દરેક પક્ષે પણ પોતાની સાથે જોડાયેલા સમાજઅને સમર્થકોમાં સમતુલા જાળવવી અઘરી પડી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોવાથી આ સમસ્યાનો સામનો ખાસ કરી રહ્યું છે. ગુજરાતીઓ ભાજપના સમથર્કો માનવામાં આવે છે, પરંતુ ગુજરાતી સમાજ પણ અમુક બેઠકોની ટિકિટમાં પ્રાધાન્ય ન મળતા નારાજ છે. બીજી બાજુ જૈન સમાજ પણ પોતાની માટે ટિકિટ માગી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જૈન ધર્મના સાધુસંતોએ મોડી રાત્રે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી અને જૈન સમાજના પ્રતિનિધિઓને બે કે ત્રણ બેઠક પર ટિકિટ આપવામાં આવે તેવી માગણી તેમના સમક્ષ મૂકી હતી. હાલમાં ઘાટકોપર પૂર્વથી પરાગ શાહ ગુજરાતી ભાષી જૈન સમાજના એકમાત્ર વિધાનસભ્ય છે. પહેલી યાદીમાં તેમનું નામ જાહેર થયું નથી અને આ બેઠક મામલે સસ્પેન્સ છે ત્યારે સાધુસંતોની મુલાકાત અને માગણી ઘણી અટકળો જગાવનારી છે.
જોકે સમૃદ્ધ અને વર્ચસ્વવાળા ગણાતા જૈન સમાજના મત ઘણા ઓછા છે ને તેમની સામે બ્રાહ્મણ, કચ્છી, લોહાણા અને ઈત્તર જાતિના મતોની સંખ્યા ઘણી મોટી છે. ભાજપ એક સમાજને ખુશ કરી બીજા ચાર સમાજને નારાજ કરવાની ભૂલ નહી કરે ત્યારે સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે સંતોને રાજકીય અને ટિકિટ વહેંચણીની બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંંચો….રાત્રે બાર વાગ્યે બંધ દરવાજે દેવેન્દ્ર ફડણવીસ અને અંબાણી પુત્રની મુલાકાત? કંઈ નવાજૂનીના એંધાણ
મુંબઈમાં હજુ મહાયુતીની વરલી, શિવડી, ચેમ્બુર, બોરીવલી, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર પૂર્વ શિવાજીનગર માનખુર્દ, અંધેરી પૂર્વ, વર્સોવા, મુંબાદેવી, કાલિના, ધારાવી, બેઠક પર ઉમેદવાર જાહેર થયા નથી. આમાંથી કઈ બેઠક પર કયો પક્ષ લડવાનો છે તે મામલે પણ કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી. વરલીથી શિંદેસેનાના સાંસદ મિલિન્દ દેવરાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ જાહેર કર્યું છે, પણ સત્તાવાર યાદી બહાર પડી નથી.
આ બધા વચ્ચે સાધુસંતો અને ઉદ્યોગપતિ અનંત અંબાણીની મુલાકાતોએ વધારે રસાકસી ઊભી કરી છે ત્યારે ઈચ્છુક ઉમેદવારો યાદીની રાહ જોઈ રહ્યા છે.
જોકે ફડણવીસના નજીકના સૂત્રોએ સાધુસંતોની આવી કોઈ મુલાકાત થયાનો ઈનકાર કર્યો હતો.