Cyclone Dana: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઓડિશામાં શાળા બંધ રાખવાનો આદેશ

નવી દિલ્હી : ચક્રવાતી તોફાન દાનાને(Cyclone Dana) કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે.
યુપી અને બિહારના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે કહ્યું કે શનિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ભદોહી, મિર્ઝાપુર, વારાણસી, ગાઝીપુર, ચંદૌલી અને સોનભદ્રમાં હળવો વરસાદ પડી શકે છે. બિહારના જમુઈ, લખીસરાય, નવાદા, બેગુસરાઈ, ખગરિયા, કટિહાર, પૂર્ણિયા, કિશનગંજ સહિત 18 જિલ્લામાં વરસાદની સંભાવના છે.
ઓડિશા, તમિલનાડુ અને કેરળમાં વરસાદ માટે યલો એલર્ટ
હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાત દાનાની અસર બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં આજે પણ રહેશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને કેરળમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દાના લેન્ડફોલ પછી તરત જ ધીમે ધીમે લો પ્રેશરમાં પરિવર્તિત થયું. જોકે વધુ નુકસાન થયું નથી. ભારે વરસાદ અને ભારે પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના અને મકાનોને નુકશાનના અહેવાલ છે.
ઓડિશાના પાંચ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
ચક્રવાતના લેન્ડફોલ બાદ ભુવનેશ્વર એરપોર્ટ અને કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 8 વાગ્યાથી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી હતી. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ સવારે 10 વાગ્યાથી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. શુક્રવારે પણ સિયાલદહથી સુંદરબન જતી ઓછામાં ઓછી 68 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. વરસાદને જોતા હવામાન વિભાગે શનિવારે ઓડિશાના પાંચ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.