વેપાર

વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ 1693 ગબડી અને સોનું 231 ઘટ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 2758.37 ડૉલર સુધી પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ પીછેહઠ જોવા મળી હોવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 230થી 231નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1693નો ઘટાડો આગળ વધ્યો હતો. જોકે, એકંદરે મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિ યથાવત્‌‍ રહી હોવાથી એકંદરે વિશ્વ બજાર પાછળ બન્ને કિંમતી ધાતુઓમાં મજબૂત અન્ડરટોન જળવાઈ રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1693ના ઘટાડા સાથે રૂ. 95,800ના મથાળે રહ્યા હતા.

તે જ પ્રમાણે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 230 ઘટીને રૂ. 77,703 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 231 ઘટીને રૂ. 78,015ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 2724.50 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 2737.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.08 ટકા ઘટીને આૈંસદીઠ 33.34 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લા બે સત્રથી સોનામાં નફારૂપી વેચવાલીના દબાણે ભાવ સાધારણ ઘટી આવ્યા હોવા છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 0.3 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવ 32 ટકા વધી આવ્યા છે અને જો શેષ વર્ષ દરમિયાન ભાવ આ જ સપાટી આસપાસ રહે તો વર્ષ 1979 પછીનો સૌથી મોટો ઉછાળો જોવા મળશે.

તાજેતરમાં સોના-ચાંદીને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ તેમ જ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામોના અવઢવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદીને પ્રવર્તમાન માલખેંચની સ્થિતી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગનો પણ ટેકો મળી રહ્યો હોવાનું સપ્રોટ એસેટ્ મેનેજમેન્ટના માર્કેટ સ્ટે્રટેજિસ્ટ પૉલ વૉન્ગે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button