loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election Affidavit: આદિત્ય ઠાકરેની સંપત્તિ છે કેટલી જાણો?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યા પછી હવે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનું શરુ થઈ ગયું છે. મુંબઈની વીઆઈપી બેઠકો પૈકી હવે વરલી સીટ પરથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના (યુબીટી)એ આદિત્ય ઠાકરેને ઉમેદવાર જાહેર કર્યા છે. આજે ઉમેદવારી પત્ર ભર્યા પછી એફિડેવિટમાં જણાવ્યા મુજબ આદિત્ય ઠાકરે 23 કરોડની સંપત્તિનો માલિક છે. આવો જાણીએ આદિત્ય ઠાકરેના આ સોગંદનામામાં શું છે ખાસિયત.

34 વર્ષીય શિવસેના નેતા (યુબીટી) એ તેમની એફિડેવિટમાં કુલ 23.43 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની કુલ 17.69 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આમ કુલ મળીને પાંચ વર્ષમાં કુલ સંપત્તિમાં 5.74 રૂપિયાનો વધારો થયો છે. કમાણીની વાત કરીએ તો ૨૦૧૯-૨૦માં કુલ કમાણી ૧.૦૭ કરોડ રૂપિયા હતી.
આગામી નાણાકીય વર્ષમાં તેની કમાણી વધી છે. ૨૦૨૦-૨૧માં તે વધીને રૂ. ૧.૭૧ કરોડ થઈ. ૨૦૨૧-૨૨માં આદિત્યની કમાણીમાં મોટો ઘટાડો થયો હતો અને તે ઘટીને ૮૮.૯૬ લાખ રૂપિયા થઈ ગઈ. તેની કમાણી ૨૦૨૨-૨૩માં વધીને ૧.૧૧ કરોડ રૂપિયા થઈ ગઈ. ૨૦૨૩-૨૪માં કમાણી ફરી વધીને ૧.૨૭ કરોડ રૂપિયા થઈ છે.

આદિત્યએ પોતાના એફિડેવિટમાં પિતા ઉદ્ધવ ઠાકરેની કમાણી અંગેની વિગતો પણ આપી છે, જેમાં તેણે પોતાને તેના સહ-વારસ તરીકે જાહેર કર્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની કમાણી વિશે વાત કરીએ તો ૨૦૧૯-૨૦માં તેમની કુલ કમાણી ૨.૧૯ લાખ રૂપિયા હતી. આગામી નાણાકીય વર્ષમાં તેની કમાણી ઘટી. ૨૦૨૦-૨૧ માં તે ઘટીને ૧.૯૪ લાખ રૂપિયા થઈ ગયો.
૨૦૨૧-૨૨માં ઉદ્ધવની કમાણી ફરી ઘટી અને તે ઘટીને ૧.૬૮ લાખ રૂપિયા થઈ ગઈ હતી. આદિત્ય ઠાકરેના ૧૦ બેંક ખાતામાં ૨.૮૧ કરોડ રૂપિયા જમા છે. એફિડેવિટ મુજબ આદિત્ય ઠાકરેના નામે બીએમડબ્લ્યુ કાર છે, જેની વર્તમાન વીમા કિંમત ૪.૨૧ લાખ રૂપિયા છે.

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પાસે ૧.૯૧ કરોડ રૂપિયાના હીરા, સોના અને ચાંદીના આભૂષણો છે. આદિત્ય ઠાકરે પાસે સોના અને હીરાનું બ્રેસલેટ છે જેની કિંમત ૩.૯૦ લાખ રૂપિયા છે. આ બ્રેસલેટમાં ૫૩૫ હીરા છે. ૪૭ લાખની કિંમતની બે સોનાની બંગડીઓ છે. આ સિવાય ૧ કિલો ૪૬૬ ગ્રામ ૨૪ કેરેટ સોનાના સિક્કા અને બિસ્કિટ પણ છે. તેની કિંમત ૧,0૯,૯૫૦૦૦ રૂપિયા છે.

પૂર્વ કેબિનેટ પ્રધાન આદિત્ય પાસે મહારાષ્ટ્રમાં પાંચ જગ્યાએ ખેતીવાડીની જમીન છે, જે તેમને તેમના પિતા પાસેથી વારસામાં મળી છે. આ જમીનના પ્લોટની કિંમત ૧.૪૮ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. થાણેમાં તેમના નામે બે દુકાન પણ છે જેની વર્તમાન બજાર કિંમત ૪.૫૬ કરોડની છે.

આદિત્ય ઠાકરેએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે ૬.૦૪ કરોડ રૂપિયાની ફાર્મ અને દુકાન જેવી સ્થાવર સંપત્તિ છે. જો જંગમ અને સ્થાવર એમ બંને મિલકતોને જોડીએ તો તેમની કુલ કિંમત રૂ. ૨૩.૪૩ કરોડ થાય છે. આ સિવાય, આદિત્ય ઠાકરે પર ૪૩.૭૬ લાખ રૂપિયાની લોન પણ છે.

આદિત્ય ઠાકરેએ ૨૦૧૧માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અને ૨૦૧૫માં મુંબઈ યુનિવર્સિટીની કે. સી. લો કોલેજમાંથી બેચલર ઓફ લો પૂર્ણ કર્યું. મહારાષ્ટ્રમાં હાલમાં નોમિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. અહીં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ૨૯ ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button