શો-શરાબા: અમેરિકન કોમેડી શૉમાં હેલોવીનના બદલે દિવાળીનો ઉત્સવ!
- દિવ્યકાંત પંડ્યા
તહેવારપ્રિય આ દેશમાં દિવાળીનો તહેવાર શિરમોર!
દિવાળી ઉપરાંત અનેક તહેવારો સમાજની વાસ્તવિકતાના નાતે આપણને ફિલ્મ્સમાં વારંવાર જોવા મળી જ જતા હોય છે. આપણા અનેક તહેવારો અનેક ફિલ્મ્સના મહત્ત્વના અંગ છે. તહેવારો પર અનેક ગીતો બન્યા છે અને એ ગીતો ફરી પાછા આપણા તહેવારો અને પ્રસંગોમાં સાંભળવા પણ મળે.
ભારતીય ફિલ્મ્સમાં રહેલી આપણા તહેવારોની હાજરી તો સ્વાભાવિક છે, પણ શું તમને ખબર છે કે આપણી દિવાળીની ઉજવણીથી હોલિવૂડ પણ બાકાત નથી. હા, આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશીઓને પણ આકર્ષે છે અને એ જ કારણે છેક ૨૦૦૬માં અમેરિકાના અતિ લોકપ્રિય ડૉક્યુમેન્ટ્રી (આ પ્રકાર વિશે ક્યારેક વિગતે આ કોલમમાં વાત કરીશું) ટીવી – શો ‘ધ ઓફિસ’માં એક આખો એપિસોડ જ દિવાળી ઉપર રાખવામાં આવ્યો હતો. અનેક વખત અનેક રીતે ભારતીય સંદર્ભો અમેરિકન કે વૈશ્ર્વિક સિનેમામાં હાજરી પૂરાવતા હોય છે અને આપણે તેની ઘણી વખત અહીં ચર્ચા પણ કરીએ છીએ.
જોકે, આજે જે એપિસોડની આપણે વાત કરી રહ્યા છીએ એ અમેરિકન ટીવીમાં પહેલી વખત કોઈ કોમેડી શોમાં ભારતીય ઉત્સવ દિવાળીને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યાનો કિસ્સો છે.
‘ધ ઓફિસ’ શોની ત્રીજી સિઝનનો એ છઠ્ઠો એપિસોડ હતો. તેમાં દિવાળીનું એકાદ દ્રશ્ય માત્ર બતાવી દીધું હતું એવું નહોતું, પણ આ તહેવારને કેન્દ્રમાં રાખતા એ એપિસોડનું તો નામ સુધ્ધાં ‘દિવાળી’ રાખવામાં આવ્યું હતું.
શોમાં રહેલું ભારતીય પાત્ર કેલી કપૂર ઓફિસના સૌને પોતાને ત્યાં દિવાળીની ઉજવણી માટે બોલાવે છે. એ જ સમયે બરાબર હેલોવીનનો સમય પણ હોય છે (જેવી રીતે આ વખતે પણ બંને તહેવાર એક જ દિવસના અંતરે છે એમ) એટલે શોનું મુખ્ય પાત્ર માઈકલ દિવાળીને ભારતીય હેલોવીન સમજી લે છે. શોનું બીજું એક પાત્ર રાયન કેલી માટે એના પેરેન્ટ્સનું દિલ જીતવાની કોશિશ કરે છે અને આ બધાં કારણસર એપિસોડમાં રમૂજ પણ ઉમેરાય છે. કેલીના મિત્રો દિવાળીની ઉજવણીનો હિસ્સો બનવાની કોશિશ કરે છે એ ઉપરાંત શોમાં બનતી બાકીની ઘટનાઓ પણ એપિસોડમાં ચાલતી રહે છે.
માઈકલ દિવાળીને હેલોવીન સમજી લે છે. એટલું જ નહીં, હકીકતે આ એપિસોડની એન્ટ્રી પણ હેલોવીનના બદલે જ થાય છે. થયું હતું એમ કે કેલી કપૂરનું પાત્ર ભજવનાર મૂળ ભારતીય પેરેન્ટ્સ ધરાવતી મિન્ડી કેલિંગે એપિસોડના એક વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૫માં શોની ટીમને દિવાળીની ઉજવણી માટે સાચે જ પોતાના ઘરે બોલાવી હતી. મિન્ડી અને ‘માય નેમ ઇઝ અર્લ’ના રાઇટર અને મિન્ડીના મિત્ર વાલી ચંદ્રશેખરને મળીને એ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યારે ટીમમાં કોઈને પણ દિવાળી કે તેને કઈ રીતે અને શા માટે ઉજવાય તેની માહિતી નહોતી. મિન્ડીનું કહેવું છે કે સ્ટુડિયોના લોકોનું કહેવું હતું કે એમને તો દિવાળી વિશે કંઈ ખબર જ નહોતી, છતાં સૌને એ દિવસે ખૂબ જ મજા આવી હતી!.
મિન્ડી કેલિન્ગ એ શોમાં એક્ટર ઉપરાંત રાઇટર તરીકે પણ જોડાયેલી હતી અને એણે ઘણા એપિસોડ્સ લખ્યાં છે એટલે ૨૦૦૬માં જયારે હેલોવીન માટેના એક એપિસોડની લેખન પ્રક્રિયા શરૂ થઈ ત્યારે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ગ્રેગ ડેનિયલ્સને પાછળના વર્ષની દિવાળીનો અનુભવ યાદ આવ્યો એટલે ગ્રેગે સામેથી દિવાળીનો ઉલ્લેખ કર્યો અને મિન્ડીને કહ્યું કે ‘આપણે હેલોવીન થીમના બદલે દિવાળી થીમ એપિસોડ કરીએ તો?’ બસ, પછી તો મિન્ડીએ દિવાળી પર વધુ રિસર્ચ કરીને એપિસોડ લખ્યો!
જોકે અમેરિકામાં જન્મેલી મિન્ડી માટે ભારતીય તહેવાર દિવાળી પર એપિસોડ લખવાનું એટલું સહેલું નહોતું. એનું કહેવું છે કે ‘મારાં મૂળ ભારતીય હોવા છતાં મારે દિવાળી વિશે ઘણું નવું સમજવું પડ્યું હતું, પરંતુ આ બહાને પણ હું મારી સંસ્કૃતિની વધુ નજીક આવી શકી એ મારા માટે મહત્ત્વની વાત છે.’
એપિસોડના શૂટિંગ વખતે દિવાળીની ઉજવણીમાં ટીમને બહુ જ મજા આવી હતી. એ એપિસોડમાં ડાન્સ પણ છે અને એ ડાન્સ માટેની ખાસ તૈયારી ભારતીય કોરિયોગ્રાફર નકુલ દેવ મહાજને કરાવી હતી. જોકે એની ટીમના સભ્યોએ અમેરિકન આર્ટિસ્ટ્સ પણ સારી રીતે જોડાઈ શકે એ માટે શોમાં શિખાઉ ડાન્સ કરવો પડ્યો હતો. ‘દિવાળી’ એપિસોડથી રાજી થઈને શોની ટીમે ત્યાં સુધી કહ્યું કે આ દિવાળી સ્પેશ્યલ એપિસોડ શોમાં દર વર્ષે હોવો જોઈએ!
વિદેશીઓ ભારત વિશે કંઈ સારું બોલે કે બતાવે અને આપણે ભારતીયો હરખાવા લાગીએ. અહીં ‘ધ ઓફિસ’ના એપિસોડમાં એવું નથી. એ ‘દિવાળી’ એપિસોડમાં જ દરેક સંસ્કૃતિને માન આપીને તેને સમજવાનો ઉદ્દેશ્ય એપિસોડની શરૂઆતમાં જ દર્શાવવામાં આવ્યો છે એટલે મનોરંજન દેવની કૃપાથી અન્ય સંસ્કૃતિમાં પણ કળાના માધ્યમથી બીજી સંસ્કૃતિની નોંધ લેવાય એ પણ સિનેમાની જ તો એક અનેરી શક્તિ ગણાય ને!
લાસ્ટ શોટ
એપિસોડમાં કેલી કપૂરના પેરેન્ટ્સનો રોલ મિન્ડીના રિયલ લાઈફ પેરેન્ટ્સે જ ભજવ્યો હતો અને વાલી ચંદ્રશેખરને પણ તેમાં એક ડૉક્ટરનું પાત્ર ભજવ્યું હતું